સફાઇના ક્ષેત્રમાં નખત્રાણાની અવિરત આગેકૂચ

સફાઇના ક્ષેત્રમાં નખત્રાણાની અવિરત આગેકૂચ
નખત્રાણા, તા. 11 : અહીંની જૂથ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં પૂરજોશમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ પર પંચાયત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે શેરીએ શેરીએ ટ્રેકટર, ટ્રોલી સાથે સફાઇ કરવામાં આવી રહી છે. અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સાત એક ટ્રકટર અને ટ્રોલી દ્વારા સફાઇ કરવામાં આવતી હતી. હવે વધુ ત્રણ ટ્રેકટર સહિત ટ્રોલી આવી જતાં જુદા જુદા વિસ્તારમાં સફાઇ વાર પ્રમાણે ઘરો ઘરથી કચરો એકત્રિત કરવામાં આવે છે. આ સ્વચ્છતા ઝુંબેશમાં નગરના વેપારીઓ, ગૃહિણીઓનો સહકાર મળી રહ્યો  છે. તો તેની વચ્ચે કેટલાક લોકો પોતાની જૂની આદત પ્રમાણે કચરો  રસ્તા પર ફેંકે છે તેમને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે કેકચરો તમારી પાસેની  કચરા પેટીમાં નાખો. તથા ટ્રેકટર જે નિયમિત કચરો લેવા આવે છે તેને આપો. અગાઉ કરતાં નેવું ટકા લોકો સફાઇમાં સાથ-સહકાર આપે છે. હજુ પણ સો ટકા સફાઇનું કામ થાય તેવી પંચાયતની નેમ છે. ગામમાં અનેક સ્થળે ટ્રોલીઓ મૂકવામાં આવી છે તેના ઉપયોગ સાથે પોતાની દુકાનો-ઘર આસપાસ સફાઇ રાખી સહકાર આપવા પંચાયત દ્વારા  નગરજનોને અપીલ કરવામાં આવી છે. બીજી તરફ નખત્રાણાના મણિનગર, શક્તિનગર, જીલ મહાદેવ નગર, પારસ નગર, નવા નગર વિસ્તારમાં નવા બનેલા પાણીના બોર ટાંકા માટેનું ખાત મુહૂર્ત સરપંચ જિજ્ઞાબેન  સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવાનગર વિસ્તાર માટે નવી પાણીની લાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ડી. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ખીમજીભાઇ મારવાડા, ઉર્મિલાબેન પટેલ, અનિલભાઇ પટેલ, મુસાભાઇ કુંભાર, વાડીલાલ પટેલ, રાજુભાઇ જોશી, ભદ્રેશ ગોસ્વામી, જિલ્લા પંચાયતના વસંતભાઇ વાઘેલા ઇકબાલ ઘાંચી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer