ભુજનો ઉમેદનગર રોડ બન્યો `લવઝોન''

ભુજનો ઉમેદનગર રોડ બન્યો `લવઝોન''
ભુજ, તા. 11 : શહેરના લેકવ્યૂ-ઉમેદનગર રોડ, વોકવે, છતરડી ઉદ્યાન વિસ્તાર છેલ્લા લાંબા સમયથી પ્રેમી-પંખીડાઓ માટે `લવઝોન' બની રહ્યો છે. અધૂરામાં પૂરું હવે પડદાભિટ્ટ રોડ પર બસ સ્ટેશન આવી જતાં યુવાન-યુવતીઓનાં ટોળાં પણ વધ્યાં છે.  જાગૃત નાગરિકોએ ચિંતા સાથે કહ્યું હતું કે, સામાન્ય રીતે  રવિવારે બગીચામાં ગિર્દી દેખાતી હોય પરંતુ છતરડીવાળા બગીચાની લોન સવારથી સાંજ તરુણ-તરુણી અને યુવાન-યુવતીઓથી ઉભરાય છે.  આ રસ્તે કોઈપણ પસાર થાય તેને કમસેકસ 50થી 70 ટુ-વ્હીલર પાર્ક થયેલા ગમે તે સમયે જોવા મળે છે. જાગૃતોએ કહ્યું હતું કે, કોલેજ-હાઈસ્કૂલ છૂટવાના સમયે બાઈક પર ડબલ કે ટ્રીપલ શીટ છોકરા-છોકરીઓ સીધા ઉમેદનગર રોડની વાટ પકડે છે. છોકરીઓ પોતાની ઓળખ છુપાવવા ચહેરા પર ઓઢણીની બુકાની બાંધી લે છે. જેથી તેના કોઈ સગા-સંબંધી પણ ઓળખી ન શકે. તો છોકરાઓ ચહેરા પર રૂમાલ બાંધીને ફરતા દેખાય છે, ઘણી વખત ધૂમ સ્ટાઈલના લીધે અન્ય વાહનચાલકો માટે જોખમ સર્જે છે.  વાલીઓ પોતાની પુત્રી હાઈસ્કૂલ કે ટયુશન ગઈ હોવાનો સંતોષ લે તે સ્વાભાવિક છે, પરંતુ  આ પૈકીની ઘણી છોકરીઓં દફતર કે થેલા સાથે પોતાના બોયફ્રેન્ડ સાથે બગીચામાં રખડતી હોય તે બાબત ઘણી ચિંતાજનક છે. આવું નૈતિક અધ:પતન અટકાવવા પોલીસે ઘણી વખત એન્ટિ રોમિયો ડ્રાઈવ પણ કરી છે. આ યુગલ પકડાય ત્યારે તેની પાસે કાયદાની મર્યાદામાં માફીપત્ર લખાવી લેવાય છે, ફરીથી બીજા દિવસે આ પ્રકારના કપલ કથિત `લવઝોન'માં પહોંચી આવે છે. આ નાગરિકોએ એવું સૂચન કર્યું હતું કે, ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનતી અટકે તે માટે ઉમેદનગર અને છતરડીવાળા બગીચા પર વહીવટી તંત્રે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જોઈએ. ઉપરાંત નધણિયાતા પુરાતત્ત્વ ખાતાના બગીચા પર ચોકીદારી ચાલુ રાખવી જોઈએ. તબક્કાવાર પોલીસ મહિલા કર્મચારીઓને સાથે રાખીને દિવસમાં એકાદ-બેવાર પેટ્રોલિંગ કરીને ઝુંબેશ કરે તો જ આ દૂષણ અટકે તેમ છે. કારણ કે  હવે તો બગીચામાં કોઈ પેન્શનરો કે કુટુંબ-કબીલા સાથે ફરવા જનારને પણ શરમ આવવા માંડી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer