ભચાઉના રાજબાઇ મંદિરે સંગીત તાલીમ શાળાનો પ્રારંભ

ભચાઉના રાજબાઇ મંદિરે સંગીત તાલીમ શાળાનો પ્રારંભ
ભચાઉ, તા. 11 : અત્રે ગાંધીધામ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ઐતિહાસિક એવા રાજબાઇ માતાજી મંદિર સંકુલમાં મૂળ ભાડિયા હાલે ભચાઉમાં રહેતા ભજનાનંદી પાલુભાઇ ગઢવી દ્વારા સંપૂર્ણ પૂર્ણકક્ષાની સંગીત તાલીમ શાળાના પ્રારંભે અનેક સંતો, કવિઓ, સુપ્રસિદ્ધ ભજનિક, ચાહકો હાજર રહ્યા હતા. મુખ્ય આયોજક દાતા પાલુભાઇએ કહ્યું કે, અહીં નજીવા દરે શરૂ કરાયેલી સંગીત શાળામાં કોઇપણ જાતના નાત-જાતના ધર્મના ભેદ વગર નાનાથી લઇ વૃદ્ધ સુધી આ કળા શીખી શકશે. જે માટે અહીં તાલીમબદ્ધ શિક્ષક અને સંગીતના સાધનોનો ખજાનો અને સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયો છે. તમામને રહેવા-જમવાની સુવિધા અપાશે. ભાડિયા (માંડવી)થી ઉપસ્થિત શાત્રી કશ્યપ મહારાજે કહ્યું કે, સંગીત જીવતા  શીખવાડે છે. સંગીતના જાણકાર અને આ કળા શીખવનારા દેવેન્દ્રભાઇ વેદાંતે કહ્યું કે, સ્વર એક સાધના છે. અહીં આવનારને સંગીતમાં માહીર કરાશે. ભચાઉ નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિને જાળવવાનું કામ સંગીત કરે છે. આ સંગીત શાળા થકી ભચાઉની એક આગવી ઓળખ બની રહેશે. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સંસ્કૃતિને અનુરૂપ બનેલી સંગીત શાળાને આવકારી હતી. આ પ્રસંગે માંડવી મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગુ. પ્રદેશના અગ્રણી અરજણભાઇ રબારી અને નરેન્દ્રદાન ગઢવી (કા. ચેરમેન ભચાઉ તા.પં.), રાપર તા.પં.ના ઉપપ્રમુખ હમીરજી વર્ધાજી સોઢા, કલાકારો દેવરાજ ગઢવી, સમરથસિંહ સોઢા, પુનશીભાઇ, હરિભાઇ,  હસિયા ઉસ્તાદ તથા મુસ્લિમ સમાજના શેરઅલી બાપુ, લતીફશા બાપુ, ભચાઉ તા. ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા, મંત્રી વાઘજી છાંગા, નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસ રાજગોર સહિત અનેક મહાનુભાવો, રાજકીય આગેવાનો, ભજનપ્રેમીઓ હાજર રહ્યા હતા. સંચાલન લોકસાહિત્યકાર રમેશભાઇ જોષી (માંડવી)એ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer