ગાંધીધામની મુખ્ય બજારના વરસાદી નાળાં તોડી પેવરબ્લોક પાથરી દેવાયા

ગાંધીધામની મુખ્ય બજારના વરસાદી  નાળાં તોડી પેવરબ્લોક પાથરી દેવાયા
ગાંધીધામ, તા. 11 : સંકુલની મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં જરા માત્ર વરસાદથી જળ ભરાવની સ્થિતિ વ્યાપક બની જાય છે. વરસાદી નાળાં હોવા છતાંય આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હવે પાલિકા દ્વારા વિકાસકામોના નામે મુખ્ય બજારના નોર્થ વિસ્તારના લગભગ નાળાં બૂરી દેવાતાં આ વખતે બજારમાં સામાન્ય વરસાદમાં જ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી દહેશત સતાવી રહી છે. સુધરાઇની ઢંગધડા વગરની નીતિથી વાજ આવી ગયેલા વેપારીઓએ આ મુદ્દે હવે ફરિયાદ જ ન કરવા મન બનાવી લીધું છે. મહાત્મા ગાંધીની પ્રતિમાથી સરદાર વલ્લભભાઇની પ્રતિમા સુધી સાઉથ અને નોર્થ વિસ્તારની દુકાનો પાસે ડી.પી.ટી. (અગાઉનું કે.પી.ટી.) દ્વારા આર.સી.સી.વાળા વરસાદી નાળાં બનાવાયા હતા પરંતુ વાહન પાર્કિંગમાં મુશ્કેલીના બહાને આર.સી.સી. તોડી નાખવામાં આવી હતી અને રોડ સમાંતર નાળાં બનાવાયા હતા. બાદમાં દોઢેક વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નાળાં કામ ન કરતા હોવાના બનાવે સાઉથ વિસ્તારના નાળાં બંધ જ કરી દેવાયા હતા. હવે બજારમાં પેવરબ્લોક નાખવાની કામગીરીના મુદ્દે નોર્થ વિસ્તારના હયાત વરસાદી નાળાં હાલ ઝંડા ચોક સુધી બંધ કરી દેવાયાં છે. આ અંગે ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામની મુખ્ય બજારમાં વરસાદી નાળાં નક્કર આયોજન સાથે બનાવાયાં જ નથી. વખતોવખત સુધરાઇમાં ફરિયાદ કરવા છતાંય કોઇ નીવેડો લાવવામાં આવતો નથી. સુધરાઇ દ્વારા માત્ર બિલો બનાવવા માટે નાળાં સફાઇ કરી અધૂરું કામ કરી છોડી દેવાય છે. બહાર દેખાતા સળિયા યથાવત રાખી દેવાતા હોવાના કારણે અનેક વખત ગાડીના ટાયરને નુકસાન થાય છે. તેમણે સુધરાઇની નીતિ સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વખતોવખતની રજૂઆત છતાંય કોઇ નીવેડો ન આવતાં હવે પાલિકા નાળાં બંધ કરે કે ચાલુ રાખે અમે હવે કાંઇ કહેશું જ નહીં. નોર્થ વિસ્તારના ઝંડા ચોક સુધીના 50 ટકા વરસાદી નાળાં બંધ?થઇ જતાં આ વખતે વરસાદમાં ગંભીર સ્થિતિ સર્જાવાની દહેશત લોકોને સતાવી રહી છે. નાળાં ચાલુ હતા ત્યારે પણ દોઢ-બે ઇંચ વરસાદમાં દુકાનોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ ગત વર્ષે જ સર્જાઇ હતી. હાલની પરિસ્થિતિ મુજબ ગાંધીધામની મુખ્ય બજારનું જ એક તરફનું નાળું ચાલુ છે ત્યારે આ વખતે પાણી નિકાલની સમસ્યા વધુ વિકટ બનશે. શહેરીજનોના હિતમાં વરસાદી નાળાંનું ધારાધોરણો મુજબનું આયોજન કરાય તે અતિજરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer