આદિપુરની સોસાયટીઓમાં એક મહિનાથી પાણીની ભારે તંગી

આદિપુરની સોસાયટીઓમાં એક  મહિનાથી પાણીની ભારે તંગી
ગાંધીધામ, તા. 11 : જોડિયા શહેર આદિપુરના 4-બી વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં છેલ્લા એકાદ મહિનાથી પીવાનાં પાણીની તંગી થતાં સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરીએ ધસી આવી હતી અને મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આદિપુરના મધ્યમવર્ગીય એવા 4-બી વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા એકાદ મહિનાથી પીવાનાં પાણીનું ટીપુંય આવતું નથી. આ અંગે આદિપુરના સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓને અનેક વખતની રજૂઆતો કરવા છતાં આ નિંભર તંત્ર દાદ દેતું નથી. આ સમસ્યા અંગે જવાબદાર કર્મીનો નંબર મેળવી તેમનો સંપર્ક કરાય તો રાજકોટના કોઇ મહિલા બોલતાં હોવાનું અને આ નંબર ખોટો હોવાનું જણાવે છે તેવી હૈયાવરાળ મહિલાએ મુખ્ય અધિકારી સમક્ષ ઠાલવી હતી. પીવાનાં પાણીના અભાવે આર્થિક ફટકો સહન કરીને નાછૂટકે મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડતા હોવાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું. તો આ વિસ્તારમાં અમે સફાઇ કર્મચારીઓનું મોઢું ક્યારેય જોયું જ નથી. અહીં ક્યારેય પણ સફાઇ કામદાર આવતા જ નથી. જેના કારણે આ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયેલા રહેતા હોય છે. જેથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. મહિલાઓની રજૂઆતને પગલે મુખ્ય અધિકારીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer