ગીતા-ભાગવતના સિદ્ધાંતોના પ્રચાર અર્થે મેઘપરમાં ઇસ્કોન મંદિર ખડું થશે

ગીતા-ભાગવતના સિદ્ધાંતોના પ્રચાર  અર્થે મેઘપરમાં ઇસ્કોન મંદિર ખડું થશે
ગાંધીધામ, તા. 11 : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન) સંસ્થા દ્વારા દેશભરમાં સનાતન ધર્મ વૈદિક જ્ઞાનનો પ્રચાર કરવામાં આવે છે. ભાગવત ગીતા અને ભાગવતમના સિદ્ધાંતોનો પ્રચાર વધુ વિસ્તૃત કરવા અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે નિર્માણ પામનારા મંદિરનું ભૂમિપૂજન ઉમંગભેર સંપન્ન થયું હતું. લીલાશાહ કુટિયા પાછળ હરે કૃષ્ણ પાર્કમાં 2400 વારના વિશાળ ફલક પર રાધાકૃષ્ણ મંદિર અને વૈદિક કલ્ચર સેન્ટર બનાવવામાં આવશે. ભૂમિપૂજન સમારોહમાં ઇસ્કોન ગુજરાતના અધ્યક્ષ જશોમતિ નંદન રામ, વિશ્વ પ્રચારક પૂ. સાર્વભૌમ પ્રભુજી, ઇસ્કોન મીરાં રોડના વરિષ્ઠ ભક્ત ગુડાકેશ પ્રભુ, પ્રોજેક્ટ હેડ મૂર્તિમાન દાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્કોન સુરતથી વૃંદાવન પ્રભુ, વાપીથી શાત્રી સ્વરૂપ પ્રભુ, મીરાં રોડથી કમલ લોચન પ્રભુજીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ઇસ્કોનના વડા ગોપાલકૃષ્ણ ગૌસ્વામી મહારાજે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે શનિવારે સવારે આદિપુર ખાતે અને સાંજે ગાંધીધામમાં નગરકીર્તનનું આયોજન કરાયું હતું. રવિવારે 7થી 10 ભૂમિપૂજન, બાદ આશીર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો. હરિનામ સંકીર્તનમાં લોકો ભક્તિમગ્ન બન્યા હતા. આ પ્રસંગે ગાંધીધામ, ભુજ, અંજારથી દિનેશ ગુપ્તા, અશોક ચંદન, પરંતપ વૈદ્ય, પ્રિતેશપરષોત્તમ આથા, નંદલાલ ગોયલ, અંજાર લોહાણા મહાજનના અગ્રણી વસંત કોડરાણી, હસમુખ કોડરાણી, મહેન્દ્ર કોટક, ગાંધીધામ લોહાણા મહાજનના મનસુખ કોડરાણી, ભગવાનજી ઠક્કર વગેરે જોડાયા હતા. સંચાલન મૂર્તિમાન દાસ અને હર્ષ કેશવદાસે સંભાળ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer