ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા

પેરિસ, તા. 11 : વિકાસની પાંખે ભારતીય અર્થવ્યવસ્થાએ ઊંચી ઉડાન ભરી છે. ફ્રાંસને પાછળ રાખતાં ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે, તેવી જાણકારી વિશ્વબેન્કના 2017ના તાજા આંકડામાં અપાઈ છે. ફ્રાંસ સહિત યુરોપીય સંઘના કેટલાક દેશોને પણ ભારતે પાછળ રાખી દીધા છે. વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર વિતેલાં વર્ષના અંતમાં ભારતનું સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 2.597 ટ્રિલિયન ડોલર જ્યારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર હતો. અનેક ત્રિમાસિક ગાળાઓની મંદી બાદ જુલાઇ-2017થી ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત થવા લાગી. ભારતની આબાદી અત્યારે 1 અબજ 66 કરોડ છે અને દુનિયાનો સૌથી વધુ વસતીવાળો દેશ બનવાની દિશામાં અગ્રેસર છે. બીજી તરફ ફ્રાન્સની વસતી 6 કરોડ 7 લાખ છે. જો કે આંકડા અનુસાર, માથાં દીઠ આવકની દ્રષ્ટિએ ભારત ફ્રાન્સ કરતાં ઘણું પાછળ છે.  નોટબંધી અને જીએસટીના કારણે આવેલી નબળાઇ બાદ વીતેલાં વર્ષે ઉત્પાદન અને ઉપભોકતા ખર્ચમાં આવેલી તેજી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપનાર પરિબળ બન્યાં. એક દાયકામાં ભારતના જીડીપીમાં બમણો વધારો આવ્યો છે. ચીનની ગતિ ધીમી પડી શકે છે, જેનાં પગલે ભારત એશિયાની મુખ્ય આર્થિક તાકાત તરીકે ઉપસી શકે છે. દરમ્યાન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના વર્તારા મુજબ આ વરસે ભારતનો વિકાસ દર 7.4 ટકા રહી શકે છે. વેરા સુધારા અને ઘરેલુ ખર્ચના કારણે 2019માં ભારતનો વિકાસ દર 7.8 ટકા રહી શકે છે. 19.3 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઊભરી આવ્યું છે, જ્યારે 12.23 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે ચીન બીજા અને 4.87 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે જાપાન ત્રીજા ક્રમે આવે છે. ભારતથી આગળ રહેલાં અન્ય બે રાષ્ટ્ર છે જર્મની અને યુકે. ભારતનું પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન 304,9પ2 મિલિયન ડોલરની જીડીપી સાથે ચાલીસમા ક્રમે છે. વિશ્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર બનવા છતાં ભારતની માથાદીઠ જીડીપી, વ્યક્તિદીઠ 1963.પપ ડોલર જેવી નીચી જ રહેવા પામી છે. અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ જણાવ્યું હતું કે, '18-'19ના સમયગાળામાં ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ફરી ઊભરી આવશે એવી સંભાવના છે. 2018માં દેશનો વૃદ્ધિદર 7.4 ટકાએ રહેવા આઈએમએફે અંદાજ્યું હતું, તેમજ '19ના વર્ષ માટે વૃદ્ધિદર 7.8 ટકાનો રહેવાનુંય અંદાજ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer