`ભાવ ઘટાડો, નહીં તો માંગ ઘટાડશું''

નવી દિલ્હી, તા. 11 : ક્રૂડ તેલની સતત વધતી કિંમતોને લઇને ભારતે હવે તેલ ઉત્પાદક દેશોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેમણે ભાવો ઘટાડવા પડશે અથવા તો પછી માંગમાં ઘટાડા માટે તૈયાર રહેવું પડશે. દરમ્યાન, ઇરાને આ ચેતવણીનો વળતો જવાબ આપતાં સીધું જણાવ્યું હતું કે, `ભારત તેનો  જથ્થો ઘટાડશે તો અમે તેને અપાતો `વિશેષ  દેશ'નો દરજ્જો પાછો ખેંચી લેશું.' દુનિયામાં સૌથી વધુ ક્રૂડની માંગવાળા દેશોમાંથી એક ભારતે ઓપેક દેશોને કહ્યું કે, તેમને ભાવ ઘટાડવા શરૂ કરવા પડશે કે પછી ખરીદીમાં ઘટાડા માટે તૈયાર રહેવું પડશે. બ્લૂમબર્ગના હેવાલ મુજબ ભારત તરફથી ચેતવણીનો સંકેત આપતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન સંજીવસિંહે કહ્યું કે, જેવી રીતે વિતેલા બે-અઢી મહિનામાં તેલના ભાવ વધ્યા છે, જો આવું જ રહ્યું તો ભારતીય ગ્રાહકો વિકલ્પોની તલાશ કરશે. તેમણે કહ્યું કે, ખનિજ તેલની મોંઘવારીના કારણે ભારતીય ગ્રાહક ઇલેકટ્રીકલ્સ વિકલ્પ અને ગેસ જેવા વિકલ્પો તરફ નજર કરશે. કારણ કે તે ઓછા મોંઘા સાબિત થશે. આવામાં 2025 સુધી ભારતની દૈનિક દસ લાખ બેરલ તેલની ખપત તબદિલ થઇ જશે. સિંહે કહ્યું કે, માંગને કિંમતોથી અલગ કરીને ન જોઇ શકાય. ખાસ કરીને  ભારત જેવા  દેશોમાં જ્યાં કિંમતોને લઇને ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, કિંમતોમાં વધારાથી તમને ટૂંકાગાળામાં માંગમાં ઘટાડો નહીં દેખાય, પરંતુ આવું જ રહ્યું તો લાંબાગાળે જરૂર તેની અસર દેખાશે. આ દરમ્યાન ઇરાને ભારતને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો ભારત અમારી પાસેથી મેળવતા ક્રૂડ ઓઇલના જથ્થાને ઘટાડશે તો ભારતને અમે આપેલો `િવશેષ દેશ'નો દરજ્જો પાછો ખેંચાઈ શકે છે. આ ઉપરાંત રણનીતિના મુદ્દા ઉપર ખૂબ જ અગત્યના ગણાય તેવા ઇરાનના ચાબહાર પોર્ટમાં ભારતના રોકાણમાં થતા ઘટાડા અંગે પણ ઇરાને ચેતવણી આપી છે. ઇરાનના ઉપરાજદૂત મસૂદ રેજવાનિયન રાહાગીએ જણાવ્યું હતું કે, એ બાબત ઘણી કમનસીબીભરી છે કે ભારતે ચાબહાર પોર્ટના વિસ્તરણ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે કરેલા વાયદા હજુ સાકાર નથી થયા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer