નવસારી-બારડોલીમાં 10 ઇંચ

સુરત, તા. 11 (પ્રતિનિધિ) : હવામાન ખાતાની આગાહી સાચી ઠરાવીને  મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું.  સુરતનાં બારડોલીમાં અને નવસારી જિલ્લામાં 10 ઇંચ અનરાધાર પાણી વરસાવ્યું હતું. ભારે વરસાદનાં પગલે સુરત-મુંબઈ વચ્ચેનાં નેશનલ હાઈવ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.  ધોધમાર વરસાદથી ઠેકઠેકાણે ટ્રકોની લાંબી-લાંબી લાઈનો લાગતાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસને દોડવું પડયું હતું. બીજી તરફ મુંબઈના નાલસોપારા પાસે ટ્રેક ધોવાઈ જતાં બીજા દિવસે પણ સુરત-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. સૌથી વધુ વાહનોની ભીડ નવસારી પાસે જોવા મળી હતી. નવસારીમાં ભારે વરસાદ પડતાં સવારથી શાળા-કોલેજોમાં રજા આપી દેવાઈ હતી. કલેક્ટરની સૂચનાને પગલે પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી હતી. નવસારીમાં મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે પણ યથાવત રહેતાં સમગ્ર શહેરમાં કેડ અને ઘૂંટણસમા પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ બારડોલી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરીને સાડા આઠ ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. વરસાદમાં  બારડોલીમાંથી પસાર થતી ખાડીમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવકને બચાવદળના લોકોએ બચાવી લીધો હતો, જ્યારે એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં રેલવે યાત્રીઓ ટ્રેન રદ થતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે.   નવસારી જિલ્લામાં આજે 268 મિ.મી., જલાલપોરમાં 250 મિ.મી., ગણદેવીમાં 172 મિ.મી., ચીખલીમાં 192 મિ.મી., વાસંદમાં 118 મિ.મી., ખેરગામમાં 182 મિ.મી. વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લામાં આજે 184 મિ.મી., પારડીમાં 148 મિ.મી., વાપીમાં 129 મિ.મી., ઉમરગામમાં 113 મિ.મી., ધરમપુરમાં 102 મિ.મી. અને કપરાડામાં 168 મિ.મી. પાણી પડયું હતું. આહવા-ડાંગમાં 81 મિ.મી., વઘઈમાં 149 મિ.મી., સુબીરમાં 103 મિ.મી., સાપુતારામાં 54 મિ.મી. વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં બારડોલી સિવાય છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer