શાળાઓ શિક્ષણ ફી સિવાય કોઇ વસૂલાત નહીં કરી શકે

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) :  રાજ્યની સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત મળી છે, તો બીજી તરફ શાળાના સંચાલકોને ઝટકો લાગ્યો છે.  આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો વચગાળાનો આદેશ કરીને જે શાળાઓએ એફ.આર.સી. સમક્ષ દરખાસ્ત કરી નથી તેવી શાળાઓને સત્વરે એફ.આર.સી. સમક્ષ દરખાસ્ત કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ સંદર્ભે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે જણાવ્યું હતું કે, વર્ષ 2017-18 અને વર્ષ 2018-19માં જે શાળાઓએ એફ.આર.સી. સમક્ષ દરખાસ્ત કરી નથી તેવી 1800થી વધુ શાળાઓએ સત્વરે એફ.આર.સી. સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે. જે શાળાઓ એફ.આર.સી. સમક્ષ પોતાની શાળાની ફી અંગે નિયમાનુસાર દરખાસ્ત નહીં કરે  તે તમામ શાળાઓ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશ મુજબ કાયદામાં સુસંગત કાનૂની કાર્યવાહી કરી શકશે.  શૈક્ષણિક ફી સિવાયની કઇ કઇ બાબતો વૈકલ્પિક ફી તરીકે ગણવી તે અંગે રાજ્ય સરકાર એક અઠવાડિયામાં પિટિશનર સ્કૂલના સંચાલકોને જાણ કરશે. ચૂડાસમાએ જણાવ્યું હતું કે, જે-તે શાળાઓમાં શિક્ષણ ફી ઉપરાંત વધારાની કોઇપણ બાબતો માટે લેવાતી શિક્ષણ ફી ઉપરાંત વધારાની ફી વસૂલવા શાળા સંચાલકો વાલીઓને ફરજ પાડી નહીં શકે. શૈક્ષણિક ફી સિવાયની કઇ-કઇ બાબતોને વૈકલ્પિક ફી તરીકે ગણવી તે અંગે રાજ્ય સરકાર વિસ્તૃત અભ્યાસ કરી એક અઠવાડિયામાં પિટિશનર સ્કૂલના સંચાલકોને જાણ કરશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer