વન-ડે શ્રેણીમાં પણ વિજયનું લક્ષ્ય

નોર્ટિંગહામ, તા. 11 : ટી-20 સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારથી શરૂ થઇ રહેલી 3 વન ડે મેચની શ્રેણીમાં વિજયનો આ જ ક્રમ જાળવી રાખવાના ઇરાદે ઉતરશે. આ સિરીઝને આવતા વર્ષે રમાનાર વર્લ્ડ કપનું `રિહર્સલ' માનવામાં આવી રહી છે. 2019નો વર્લ્ડ કપ બ્રિટનમાં રમાવાનો છે. આથી વિરાટ એન્ડ કું. માટે ખુદને ચકસવાનો સોનેરી મોકો છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે પ-00 વાગ્યાથી શરૂ થશે. એક તરફ ટીમ ઇન્ડિયાએ ટી-20 શ્રેણી 2-1થી જીતી છે તો બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમે પણ પાછલી વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો પ-0થી સફાયો કરીને જીતનો વિશ્વાસ ધરાવે છે. પાછલાં કેટલાંક વર્ષોથી ઇંગ્લેન્ડની ટીમ વન ડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેના અનેક ખેલાડી જોસ બટલર, જેસાન રોય, એલેક્સ હેલ્સ, જોની બેયરસ્ટો અને સુકાની ઇયાન મોર્ગન લાજવાબ ફોર્મમાં છે. ઓલરાઉન્ડર બેન સ્ટોકસની વાપસીથી ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત બની છે. વર્લ્ડ કપના નિરાશાજનક પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડની ટીમે  69 વન ડે મેચમાંથી 46 મેચ જીત્યા છે. દ્વિપક્ષી શ્રેણીમાં 2017 જાન્યુઆરીમાં ટીમ ઇન્ડિયાને પણ હાર આપી હતી.  કાલથી શરૂ થઇ રહેલી આ વન ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં વિવિધ સંયોજન અજમાવવાના મોકા મળશે. કેએલ રાહુલના શાનદાર ફોર્મને લીધે સુકાની વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરી શકે છે. મોટાભાગે શિખર ધવન અને રોહિત શર્મા દાવનો પ્રારંભ કરશે. વધારના ઝડપી બોલર તરીકે સિદ્ધાર્થ કૌલ અથવા શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. જ્યારે સ્પિન જોડી યજુર્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ માટે ઇંગ્લેન્ડ સામેની આ 3 મેચની વન ડે શ્રેણી મહત્ત્વની બની રહેશે. જો સફળ થશે તો અશ્વિન-જાડેજા માટે વર્લ્ડ કપના દ્વાર લગભગ બંધ થઇ જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer