સૌરઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ માટે કચ્છના 11 ફીડર પસંદ

ભુજ, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવા નિર્ધાર વ્યક્ત કરીને કિસાનો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આયોજનના ભાગરૂપે હરિયાળી ઊર્જાને ઉત્તેજન આપવા ધરતીપુત્રોને દિવસ દરમ્યાન વીજળી મળે અને એ વીજળીમાંથી પોતાની ખેતી તો કરે સાથેસાથે વીજળી ઉત્પન્ન કરી આવક રળી શકે તેવા હેતુસર સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મૂકી છે. આ પ્રકલ્પ હેઠળ કચ્છમાં પ્રાયોગિક તબક્કે 11 ફીડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.યોજનાના પાયલટ પ્રોજેક્ટ હોવાથી સમગ્ર દેશના જુદા-જુદા જિલ્લાઓના ફીડરોની પસંદગી કરવામાં આવી હોવાથી સૌરઊર્જા મેળવીને ખેડૂતો પોતે પણ ગ્રીડમાં વીજળી વેચી શકશે. ભારત સરકારની સબસિડીમાંથી સોલાર પેનલ લગાડીને નાબાર્ડની લોનમાંથી માત્ર નજીવા દરે ખેતીની જમીનમાં સોલાર પ્રોજેક્ટ લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાથી કચ્છના પી.જી.વી.સી.એલ.ના બન્ને સર્કલના ફીડરો પસંદ કરવામાં આવ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના પશ્ચિમ કચ્છના અધીક્ષક ઈજનેર બી.પી. જોષી કહે છે કે માત્ર ખેતીવાડીને જ આ યોજના લાગુ પડે છે. પશ્ચિમ કચ્છના દેશલપર પેટા વિભાગ હેઠળના 2, કોઠારા વિસ્તારમાં 1, નલિયા પેટા વિભાગમાં 1, માંડવી હેઠળ-1 અને ગઢશીશામાંથી એક એમ મળીને 6 ફીડરોનો સમાવેશ થાય છે. આ તમામ છ ફીડરો હેઠળના 300 ગ્રાહકો આવે છે. જેઓને લાભ મળશે, એમ તેમણે જણાવ્યું હતું. વધુ પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોને લાંબાગાળે ખૂબ મોટો ફાયદો મળવાનો છે. માત્ર પાંચ ટકાની રકમ એડવાન્સ આપવી પડશે. હયાત હોર્સપાવરનું જોડાણ હોય તેના બદલે સોલાર પેનલ આધારિત પાવર ઉત્પાદન કરવા સવા ગણું હોર્સ પાવરનું ઉત્પાદન કરવામાં આવશે. આ માટે સોલાર કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. પાંચ ટકા ખેડૂત પોતે ભરે, 60 ટકા રકમ ભારત સરકાર આપશે અને 35 ટકા નાબાર્ડ લોન તરીકે આપશે. દૈનિક 12 કલાક વીજળી ઉત્પન્ન થવાથી ખેડૂતો જે પોતે વાપરી લીધા બાદ બચત થતી વીજળી ગ્રીડમાં જશે અને 7 વર્ષ સુધી વધારાના જે યુનિટ ગ્રીડમાં જશે તે મુજબ પ્રતિ યુનિટ રૂા. 7 પ્રમાણે ખેડૂતોને સામેથી રકમ મળશે. એમાંથી લોન ભરપાઈ થયા બાદ ખેડૂતોની સીધી આવક પણ શરૂ થઈ જશે. એવી જ રીતે કચ્છના પૂર્વ વિભાગના સર્કલના અધીક્ષક ઈજનેર આર.ડી. મેઘાણીનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે અંજાર સર્કલમાંથી પાંચ ફીડર પસંદ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અંજાર શહેર 1, અંજાર ગ્રામ્યના ચાર ફીડર આ યોજના હેઠળ સમાવાયા છે. જેમાં અંદાજિત 400 ખેડૂતોના વીજજોડાણ આવેલાં છે. બન્ને અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ફીડર સમાવાયા છે તેમાં મોટાભાગના ખેડૂતો જો તેમાં સામેલ થાય તો જ યોજના સફળ થશે. એકલ-દોકલથી કોઈ પ્રતિસાદ મળવાનો નથી. એટલે દરેક ખેડૂત તેમાં જોડાય તો એ ફીડરની વીજળી ગ્રીડ સાથે જોડવાની છે. વળી જે તંત્ર તરફથી મળતી વીજળી બંધ થાય તો જ હેતુ સાર્થક ગણાશે. આ યોજના માટેના માપદંડો/ધારાધોરણો/શરતો પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, આ યોજનામાં ગ્રીડ સાથે જોડાયેલા ખેડૂતો 1 હો.પા. દીઠ 1.25 કિ.વો. લેખે ખેડૂત જેટલા હોર્સ પાવરનું જોડાણ ધરાવતો હોય તે પ્રમાણે સોલાર ફોટોવોલ્ટિક પીવી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. ખેડૂત જો ઈચ્છે તો સ્વખર્ચે વધુ સોલાર એનર્જી ક્ષમતા વીજ પરિવહન નેટવર્કની મર્યાદામાં રહીને આવશ્યક તાંત્રિક મંજૂરી લીધા બાદ સ્થાપી શકશે. પરંતુ સબસિડી ખેડૂત જેટલા હો.પા.નું જોડાણ ધરાવતો હોય તેમાં 1 હો.પા. દીઠ 1.25 કિ.વો. પૂરતી મર્યાદિત રહેશે. ખેડૂત અને જે-તે વીજ વિતરણ કંપની વચ્ચે વધારાની ઉત્પાદિત સોલાર વીજળીની ખરીદી-વેચાણ માટે 25 વર્ષનો કરાર કરવામાં આવશે. એટલે કે 25 વર્ષ સુધી ખેડૂતની વીજળી જે-તે વીજ વિતરણ કંપની દ્વારા ખરીદવામાં આવશે. જે-તે ફીડર માટે સંબંધિત ખેડૂતો દ્વારા ખેડૂતોની સંચાલન સમિતિની રચના કરવામાં આવશે. સમિતિના પ્રમુખ આ યોજનાના અમલીકરણ માટે જે-તે વીજ વિતરણ કંપની સાથે વ્યવહાર કરશે. હિસાબના હેતુ માટે ખેડૂતની બીલિંગ સાઈકલ પ્રમાણે ખેડૂતે કેટલી વીજળી વાપરી છે, ગ્રીડમાં વેચી છે તે નક્કી કરવામાં આવશે. જો કોઈ બીલિંગ સાઈકલમાં ખેડૂતે નેટ ઈમ્પોર્ટ કર્યો હોય એટલે કે ઉત્પાદિત સૌરઊર્જા કરતાં વધુ વીજળી વાપરેલી હોય તો તે પેટે તેણે પ્રતિ યુનિટ જી.ઈ.આર.સી. ટેરીફ (રૂા. 3.50 પ્રતિ યુનિટ) વીજ વિતરણ કંપનીને ચૂકવવાનો રહેશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer