બીજા દિવસેય કચ્છની ટ્રેનો મુંબઇ ન પહોંચી : કચ્છ એક્સ. છ કલાક મોડી

ગાંધીધામ, તા. 11 : મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે આજે સતત બીજા દિવસે પણ કચ્છથી ઉપડેલી ટ્રેનો આજે પણ મુંબઇ પહોંચી શકી ન હતી. આજે પણ અધવચ્ચેથી અટકાવીને પરત ત્યાંથી કચ્છ રવાના કરાશે. અમદાવાદમાં મુંબઇની ટ્રેનો અટકતાં સર્જાયેલી પરિસ્થિતિથી કચ્છ એક્સપ્રેસ છ કલાક જેટલી મોડી પડતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિરાર, નાલાસોપારામાં ભારે વરસાદથી જળ ભરાવની સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત રહેતાં અમદાવાદ-મુંબઇ વચ્ચેના રેલવે વ્યવહારને ભારે અસર પડી છે. ગઇકાલે કચ્છથી મુંબઇ વચ્ચે દોડતી ત્રણ ટ્રેનો અધવચ્ચે ટૂંકાવી દેવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં આજે પણ કોઇ સુધારો ન આવતાં ગઇકાલ જેવી પરિસ્થિતિ ટ્રેનોની આજે સર્જાઇ છે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે ભુજ-દાદર સયાજીનગરી (19116)ને દહાણુ રોડ ખાતે  અટકાવી દઇ દહાણુ રોડ, દાદર વચ્ચે રદ કરી દેવાઇ છે. પરત દહાણુ રોડથી સાંજે 4.50 વાગ્યે દાદર-ભુજ (19115)ને ભુજ રવાના કરાશે. એ જ રીતે ભુજ-બાન્દ્રા કચ્છ એક્સપ્રેસ (22956)ને વલસાડ ખાતે અટકાવી દેવાઇ છે અને વલસાડ-બાન્દ્રા વચ્ચે ટ્રેન રદ કરાઇ છે. સાંજે બાન્દ્રા-ભુજ કચ્છ એક્સપ્રેસ (22955)ને વલસાડથી રાત્રે 9 વાગ્યે ભુજ રવાના કરાઇ હતી. સતત બીજા દિવસે મુંબઇ આવતા-જતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.નાલાસોપારા, વિરાર ખાતે જળ ભરાવની સ્થિતિના કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી 22થી વધુ ટ્રેનોને અસર થઇ છે. અમદાવાદ ખાતે ટ્રેનોના થયેલા ખડકલાના કારણે કચ્છ એક્સપ્રેસ વિરમગામમાં અટવાઇ હતી. રાત્રે 1.45 આસપાસ વિરમગામ પહોંચ્યા બાદ રાત્રે 2.30ના બદલે સવારે 6.30 વાગ્યે અમદાવાદ પહોંચી હતી અને 6 કલાકથી વધુના વિલંબથી સવારના બદલે બપોરે વલસાડ પહોંચી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer