કચ્છ આવકવેરા વિભાગે 200 ટકા સિદ્ધિ મેળવી

ગાંધીધામ, તા. 11 : વિનાશક ભૂકંપ બાદ ઔદ્યોગિકીકરણને પગલે સરહદી કચ્છ જિલ્લામાં આર્થિક ગતિવિધિ વધી ગઇ છે પરંતુ તેની સામે આવક વેરાની આવક એટલી વધી નથી. આમ છતાં ગત વર્ષે ગાંધીધામ (કચ્છ) ઝોને લક્ષ્યાંકની સામે 200 ટકા સિદ્ધિ મેળવી હતી. નવા કરદાતાઓ પણ 14થી 15 હજાર જેટલા વધ્યા હતા. કચેરીના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ચીફ કમિશનર તળેની રાજકોટ કમિશનરેટ હસ્તક આવતા ગાંધીધામ ઝોનને ગત વર્ષે આવક વેરાનું 110 કરોડનું લક્ષ્યાંક અપાયું હતું. જેની સામે કચ્છમાંથી 215 કરોડની વસૂલાત આવી હતી. મહત્વની બાબત તો એ છે કે સમગ્ર દેશમાં ગત વર્ષે આવકની દ્રષ્ટિએ કચ્છ જેમાં સમાવિષ્ટ છે એ રાજકોટ કમિશનરેટ પ્રથમ સ્થાને રહ્યું હતું. કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી અહીં અગાઉ 75 હજાર કરદાતાઓ હતા જે હવે વધીને 90 હજાર થયા છે. વધુને વધુ કરદાતાએ આવકવેરા તળે આવરી લેવા આવકવેરા વિભાગ સક્રિય બન્યો છે. તમામ બેંકો, સરકારી કચેરીઓ વગેરે પાસેથી વાર્ષિક અહેવાલ મેળવાય છે, જેમાં લોકોના રોજિંદા વ્યવહારોનો તમામ ડેટા ઊભો કરાય છે.પેન નંબરને આધારે તેની ક્રૂટીની કરીને જરૂરત હોય તેવી વ્યક્તિઓને નોટિસ પાઠવીને વિગતો મેળવાય છે. ડેટાની ક્રૂટીની માટે કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ પ્રોસેસીંગ સેન્ટર (સીપીસી) કાર્યરત છે. ટીડીએસ માટે આ કામગીરી  ગુડગાંવમાં જ્યારે આવકવેરા (રીટર્ન વગેરે) માટે આ કામગીરે બેંગલોર ખાતે કરાય છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. પેન નંબર અને આધાર કાર્ડને કારણે હવે આવકવેરા તંત્ર પાસે દરેક વ્યક્તિની માહિતી ઉપલબ્ધ થઇ રહી છે. જે લોકો રીટર્ન ભરતા નથી તેમના વિરુદ્ધ હવે તંત્ર કડક બને તેવી શક્યતા છે. આવકવેરા કચેરી પાસે આવતા ડેટાના આધારે એકલાં ગાંધીધામ ઝોને જ ત્રણથી ચાર હજાર નોટિસો કાઢી હોવાનું સૂત્રો ઉમરે છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer