સેનેટ ચૂંટણી મામલો હાઇકોર્ટમાં

ભુજ, તા. 11 :?તાજેતરમાં પ્રાધ્યાપક પર એ.બી.વી.પી.ના કાર્યકરોનો હુમલો અને સેનેટ ચૂંટણી રદ્દ થતાં વિવાદોમાં ઘસડાયેલી કચ્છ યુનિવર્સિટી સામે હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આગામી તા. 22/7ના યોજાનારી સેનેટ ચૂંટણી રદ્દ થશે તો હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવામાં આવશે તેવી અગાઉ ચેતવણી આપનાર પૂર્વ સેનેટ સભ્ય અને વિદ્યાર્થી અગ્રણીએ અંતે પિટિશન દાખલ કરી દીધી છે. આમ, હવે આ મામલે અદાલતમાં જંગ ચાલશે. અરજદારો પૂર્વ સેનેટ સભ્ય દીપક ડાંગર અને કચ્છ જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના મંત્રી તથા વિદ્યાર્થી અગ્રણી યશપાલસિંહ જેઠવાએ દાખલ કરેલી અરજીમાં આ ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય ગેરબંધારણીય રીતે લેવામાં આવ્યો હોવાના દાવા સાથે દલીલ કરવામાં આવી છે કે, યુનિ.ના કુલપતિને આ રીતે ચૂંટણી રદ્દ કરવાનો કોઇ?અધિકાર જ નથી. વળી રજૂઆત કરવામાં આવી છે કે તેને રદ્દ કરવાનો સરકારમાંથી કોઇ?આદેશ?જ નથી આવ્યો. રદ્દ થવા સામે નવી મતદાર યાદી બનાવવી જરૂરી નથી. કાયદો અને વ્યવસ્થાનું જે કારણ આપવામાં આવ્યું છે તેની પાછળ જિલ્લા કલેક્ટર કે પોલીસ વડાનો કોઇ હુકમ કે ગંભીર સ્થિતિની કોઇ ગુપ્તચર માહિતી નથી. ઉપરાંત અદાલતમાં દાદ માગવામાં આવી છે કે ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય પાછો ખેંચાય.આ અગાઉ અરજદારોએ હાઇકોર્ટમાં કેવીએટ પણ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદી તરફે ધારાશાત્રી આશિષ દગલી રહ્યા છે, હવે તુરંતમાં યુનિ.ના સત્તાધીશોને આ મુદ્દે નોટિસો જારી કરવામાં આવશે તેમ મનાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer