ભુજમાં પતિ અને પત્નીના વિવાદમાં માસૂમ પુત્રીના અપહરણની ફરિયાદ

ભુજ, તા. 11 : શહેરમાં પતિ અને પત્ની વચ્ચે ચાલતા વિવાદ દરમ્યાન પિતા સાથે રહેતી સગીર વયની પુત્રીને પત્ની બળજબરીથી ઉઠાવી જઇ તેનું અપહરણ કરી ગઇ હોવાનો મામલો પોલીસ દફતરે ફરિયાદ અરજીના સ્વરૂપમાં પહોંચ્યો છે. શહેરમાં જૂની રાવલવાડી વિસ્તારમાં ગાયત્રી ગરબી ચોક ખાતે રહેતા રિતેશગર જેરામગર ગુંસાઇએ આ પ્રકરણમાં ભુજ શહેર એ. ડિવિઝન પોલીસને તેમની પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી અને પોતાની પુત્રીનો કબજો પરત અપાવવાની માગણી કરી હતી. આ ફરિયાદ અરજીમાં જણાવાયા અનુસાર અન્ય પુરુષ સાથેના સંબંધને લઇને પત્ની બે મહિના પહેલાં ચાલી ગઇ છે. આ દંપતીના બન્ને સંતાન પિતા પાસે છે. દરમ્યાન ગઇકાલે પુત્રી રિદ્ધિ ઘર પાસે સાઇકલ ચલાવી રહી હતી ત્યારે પત્ની તેનું અપહરણ કરી ગઇ હતી. માસૂમ પુત્રીને તેની આ માતા ગેરમાર્ગે દોરવા સહિતના પ્રયાસો કરશે તેવો ભય વ્યકત કરીને રિતેશગર ગુંસાઇએ પુત્રીનો કબજો પરત મેળવવા તથા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. દરમ્યાન શ્રી ગુંસાઇએ રૂબરૂમાં આવીને એવી પણ ફરિયાદ કરી હતી કે આ પ્રકરણમાં તેઓ છેલ્લા લાંબા સમયથી પોલીસને અરજીઓ અને ફરિયાદો આપી રહ્યા છે. પણ યોગ્ય પગલાં લેવાયાં નથી. પુત્રીને બળજબરી સાથે લઇ જવાના મામલાને પણ પોલીસે ગંભીરતાથી ન લીધો હોવાનો તેમણે આરોપ મૂકયો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer