બાઇક સ્લીપ થવાની ઘટનામાં ભુજ અને માધાપરના ચાલકે જીવ ગુમાવ્યા

ભુજ, તા. 11 : તાલુકાના માધાપર ગામે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક માધાપરના પેનાભાઇ કારાભાઇ રબારી (ઉ.વ.45)ની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. તો ભુજ શહેરની ભાગોળે માધાપર તરફના ધોરીમાર્ગ ઉપર બાપા સીતારામ મઢુલી નજીક બનેલા આવા જ કિસ્સામાં મોટર સાઇકલના ચાલક ભુજના મહેન્દ્ર હીરજી પુરબિયા (ઉ.વ.27)એ જીવ ગુમાવ્યો હતો.  પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ માધાપર ગામે કાસમશા પીરની દરગાહ નજીક ગતરાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે માધાપરમાં નવાવાસ ખાતે રબારીવાસમાં રહેતા પેનાભાઇ રબારીને જીવલેણ અકસ્માત નડયો હતો. આ હતભાગી જી.જે.12-એ.ઇ.-3206 નંબરની બાઇકથી ભુજથી ઘરે માધાપર જઇ રહ્યા હતા ત્યારે આ વાહન અકસ્માતે સ્લીપ થઇ ગયું હતું. માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે આ હતભાગી યુવકનું સારવાર નસીબ થાય તે પહેલાં જ મૃત્યુ થયું હતું. માર્ગ ઉપર કૂતરું આડું આવતાં આ અકસ્માત થયાનું પોલીસમાં લખાવાયું હતું. બીજીબાજુ ભુજના પાદરમાં માધાપર ગામની જ હદમાં આવતા ધોરીમાર્ગ ઉપર બાપા સીતારામ મઢુલી નજીક ગઇકાલે મોડીસાંજે પ્રાણઘાતક અકસ્માત સર્જાતાં ભુજના વાલ્મિકી નગરમાં રહેતા મહેન્દ્ર પુરબિયાને મોત આંબી ગયું હતું. પોલીસે આ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે જી.જે.12-બી.એન.-2078 નંબરની મોટર સાઇકલ સ્લીપ થતાં અકસ્માતનો આ કિસ્સો બન્યો હતો. મોઢાના ભાગે થયેલી ગંભીર ઇજાઓ હતભાગી ચાલક માટે જીવલેણ બની હતી. બનાવ બાબતે ભુજના હીરજી કુકા પુરબિયાએ પોલીસ ફરિયાદ લખાવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer