ડોણની જમીનમાં દાવો રદ કરાયો :ભાડિયાના કેસમાં મનાઇહુકમ અપાયો

ભુજ, તા. 11 : માંડવી તાલુકાના ડોણ ગામે સર્વે નંબર 82 ખાતે આવેલી જમીન વિશેના વિવાદમાં કરાયેલો દાવો અદાલતે નામંજૂર કર્યો હતો. તો માંડવી તાલુકાના જ નાના ભાડિયા ગામની સર્વે નંબર 497 પૈકી 1 ખાતેની જમીનના વિવાદમાં દરમ્યાન મનાઇહુકમ આપતો આદેશ કરાયો હતો. ડોણ ગામના કિસ્સામાં નાગાઇવાળી તરીકે ઓળખાતી ખેતીની જમીનના પ્રકરણમાં પોતાનો હકક અને ભાગ અપાવવાનો અને કાયમી મનાઇહુકમ મળવા માટેનો દાવો જલુબાઇ અદ્રેમાન ચૌહાણ દ્વારા તેમના ભાઇ જાકબ અબ્દુલ્લા સમેજા વગેરે સામે કરાયો હતો. માંડવીના સિવિલ જજ સમક્ષ આ બાબતે સુનાવણી થયા બાદ ન્યાયાધીશે દાવો નામંજૂર કરતો હુકમ કર્યો હતો.  જયારે નાના ભાડિયા ગામના કિસ્સામાં નોંધ રદ કરાવવા માટે શૈલેશ મયાશંકર રાજગોરે મયાશંકર નાનજી રાજગોર વગેરે સામે પ્રાંત અધિકારી સામે અપીલ દાખલ કરી હતી. પ્રાંત અધિકારી દ્વારા વાદીની તરફે મનાઇહુકમ આપતો આદેશ કરાયો હતો. આ બન્ને કેસમાં પ્રતિવાદી અને વાદી વતી વકીલ તરીકે અરાવિંદાસિંહ આર. જાડેજા રહ્યા હતા.   ગ્રાહક તરફે ફોરમનો ચુકાદો   ભુજ તાલુકાના સુખપર ગામના ગ્રાહકે નવા ખરીદેલા સોની એકસ્પેરીયા કંપનીના મોંઘેરા મોબાઇલમાં ખામી સર્જાવાના કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા કંપની ગ્રાહકને રૂા. 50 હજાર વળતર પેટે ચૂકવે તેવો આદેશ કર્યો હતો. એકવખત બગડેલા મોબાઇલના બદલામાં બીજો નવો મોબાઇલ આપ્યા પછી તેમાંયે ખામી સર્જાતાં કંપનીએ દાદ ન આપતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. જેમાં આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાધ્યાય, વિનય વી. પઢારિયા અને સંકેત સી. જોશી રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer