લેન્ડલાઇન ટેલિફોન ગ્રાહકો માટે આકર્ષક યોજનાઓ

ભુજ, તા. 11 : સંદેશા વ્યવહારક્ષેત્રે ચાલતી ગળાકાપ હરીફાઇ વચ્ચે ભારત સંચાર નિગમે પણ પોતાની સેવાઓમાં જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે. સસ્તા દરના લેન્ડલાઇન ફોન કે કોઇપણ ચાર્જ ભર્યા વગરના પ્રિ-પેઇડ લેન્ડલાઇન જોડાણ પણ આપવામાં આવશે. બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંચાર નિગમના મોબાઇલ ગ્રાહકો માટે તો આકર્ષક યોજનાઓ આવે છે પરંતુ લેન્ડલાઇન ગ્રાહકોને પણ લાભ મળે તેવું આયોજન કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે, ફિક્સ મોબાઇલ કન્વર્ઝેશન ઇન્ટરનેટ ટેલિફોનિક - વિંગ્સ નામની સેવા કચ્છમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવશે. વાઇફાઇ, થ્રીજી ઇન્ટરનેટ પર ચાલતી આ સેવાથી મોબાઇલ કે ટેબલેટ, લેપટોપ વડે કોઇપણ ઓપરેટર સાથે અનલિમિટ વાતચીત, વીડિયો કોલિંગ ઉપરાંત ઇન્ટરનેટ વપરાશ થઇ શકે છે. રૂા. 1099માં એક વખત જોડાણ મેળવ્યા પછી તેનો લાભ મળશે. આ વિંગ્સની એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તેનો વપરાશ થઇ શકે છે. અત્યંત ઝડપી વીડિયો કોલનો તેમાં લાભ મળતો હોવાનું જણાવી વિંગ્સ નામની સેવા અંગેની જાણકારી સંચાર નિગમના કસ્ટમર કેરમાંથી મળી શકે છે. શ્રી સિંઘવીના કહેવા પ્રમાણે રૂપિયા 99થી 499ના માસિક ભાડાંમાં લેન્ડલાઇનના નવા જોડાણ આપવામાં આવે છે જેમાં બ્રોડબેન્ડના વપરાશની સાથેસાથે અલગ અલગ કોલિંગ ફ્રીનો પણ લાભ મળે છે. બ્રોડબેન્ડ સાથે કોલિંગ ફ્રીની લેન્ડલાઇન યોજનાને કોમ્બો ઓફરનું નામ આપવામાં આવ્યું છે. બ્રોડબેન્ડનું જોડાણ મળવાથી તેમાં 20 એમ.બી.પી.એસ.ની ઝડપ સાથે વાઇફાઇ બંને મળે છે. વિશેષમાં કોઇપણ?જાતના ચાર્જ વગરનું લેન્ડલાઇન જોડાણ આપવાનો લાભ મેળવવા ઇચ્છતા ગ્રાહકો માટે પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે. એટલે કે પ્રિ-પેઇડ લેન્ડલાઇનમાં રૂા. 99થી 900 સુધીના વાઉચર પરથી લેન્ડલાઇન પર વાતચીત થઇ શકે છે. જે ગ્રાહક પોતાના ખર્ચે લેન્ડલાઇન ફોન ખરીદીને લાવે તો મફતમાં નંબર સાથે કનેક્શન અપાશે. પછી વાઉચરની રકમમાંથી તેનો ઉપયોગ કરી શકાય છે. સંચાર નિગમનું ઇન્સ્ટ્રુમેન્ટ લેવું હોય તો રૂા. 625 ભરવા પડે છે. એવી જ રીતે અત્યારે જે લેન્ડલાઇન ગ્રાહકો છે તેઓ બીજું ટેલિફોન ઇચ્છે તો ભાડાં વગરનું મફતમાં વધારાનું જોડાણ લઇ શકે છે. વધારાના ફોનનું ભાડું નહીં હોય પરંતુ જે કોલિંગનો વપરાશ હશે તેનું બિલ આવશે એમ તેમણે જણાવ્યું હતું. એક્સચેન્જથી ડાયરેક્ટ ટેલિફોન જોડાણ માટેની એફ.ટી.ટી.એચ. નામની યોજના પણ શરૂ?કરવામાં આવી છે, જેના રૂા. 777 અને 1277 એમ બે પ્લાન આપવામાં આવ્યા હોવાનું જનરલ મેનેજરે જણાવ્યું હતું. આ અંગેની વધુ માહિતી કસ્ટમર કેરમાંથી પણ મળે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer