`આષાઢી બીજ'' નિમિત્તે માંડવીમાં `કાર્નિવલ''ની ઉજવણી : 1.50 કરોડનાં કામોનું લોકાર્પણ

માંડવી, તા. 11 (પ્રતિનિધિ દ્વારા) : અહીંના નગર સેવા સદનના ઉપક્રમે આપણી નવરાત્રિ સમિતિ સંયોજિત 14મીએ આષાઢી બીજ કાર્નિવલ અંતર્ગત ઉજવણીમાં 13 શાળાઓ સહિત 18 જેટલા કલાવૃંદો કામણ પાથરશે. ટાગોર રંગભવન સામેના દીનદયાળ ઉપાધ્યાય પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા એક કરોડ 50 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરાશે, સ્વચ્છ શહેર અભિયાનને વધુ કાર્યક્ષમ બનાવવા સેનિટેશન વિભાગના 6 વાહનોનું લોકાર્પણ ઉપરાંત ગત સત્ર દરમ્યાન થયેલાં કામો સંબંધી પુસ્તિકાનું વિમોચન કરાશે.આજે સવારે નગર સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રમુખ સ્થાનેથી નગરપતિ મેહુલ અભયકુમાર શાહે કચ્છી નવા વર્ષની ઉજવણીમાં સહયોગી થવા નગરજનોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સેવાના ભેખધારી અને ક્રાંતિતીર્થના સ્વપ્નદ્રષ્ટા હીરજીભાઇ કારાણીનું વિશિષ્ટ બહુમાન કરાશે. અહીંના કલાસાધક-શિલ્પકાર, ચિત્રકાર અનિલ જોશી દ્વારા પ્રતિકૃતિ મુકાશે. પુરોગામી પ્રમુખ સુજાતાબેન ભાયાણીના શાસનકાળ દરમ્યાન સાકાર વિકાસકાર્યોની પુસ્તિકા વિમોચનની સમાંતરે `આપણી નવરાત્રિ સમિતિ'ના સંયોજન હેઠળ કલા પ્રદર્શનમાં 1000 જેટલા કલા ઉપાસકો નવા વર્ષના રંગો ભરશે. આપણી નવરાત્રિ સમિતિના મોભી દેવાંગ અનંતરાય દવેએ સમિતિના દશાબ્દિ વર્ષના ભાગરૂપે `કાર્નિવલ' આયોજન બદલ સૌભાગ્ય (અહોભાવ) પ્રગટ કરતાં 2012માં અનંત દાદાની ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી તરીકે મોદીજીના સંભારણાં વાગોળ્યાં હતાં. તેમણે નગરપતિ મેહુલભાઇ શાહ અને એમની ટીમને આયોજન બદલ અભિનંદન આપ્યાં હતાં. આપણી નવરાત્રિના અગ્રણી ભરતભાઇ વેદે આયોજનમાં માનવમેળાની પ્રતીતિ કરાવીને કલારસિકોને પ્રોત્સાહિત કરવા હકારાત્મક સહયોગ માગ્યો હતો. ટોપણસર જળાશયની સમીપે કાર્નિવલ ઘોડા ગ્રુપ, કચ્છી ઊંટોનું ગ્રુપ, કચ્છી ઢોલ, ડી.જે. સંગાથે તલવારબાજી, બળદગાડા ઉપરાંત વી.આર.ટી.આઇ. પ્રા. શાળા, શેઠ ખી.રા. કન્યા છાત્રાલય, લી.મુ. ભીમાણી પ્રા. શાળા, શેઠ ખી.રા. કન્યા વિદ્યાલય, સ્વામિ. ગુરુકુલ (કોડાય પુલ), એઇમ્સ સ્કૂલ, રામકૃષ્ણ હાઇસ્કૂલ, એસ.કે.આર.એમ. (અંગ્રેજી માધ્યમ) સ્કૂલ, ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ, જે. કે. ગ્રુપ, શ્રી ગોકુલ વિદ્યામંદિર, સ્વામિનારાયણ સંસ્કારધામ, કચ્છ અન્જુમને ઇસ્લામ સ્કૂલ સહિત 18 કળા જૂથો જોડાશે. આપણી નવરાત્રિ સમિતિના કુ. વસંતબેન સાયલ, ગોરધન પટેલ `કવિ', મુલેશભાઇ દોશી વગેરેએ આયોજન સંબંધી પૂરક વિગતો આપી હતી. નગરપાલિકાના ઉપાધ્યક્ષા ગીતાબેન રાજગોર, નરેનભાઇ સોની, પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પીઠડિયા, પા.પુ. સમિતિના ચેરમેન પ્રેમજીભાઇ કેરાઇ, પારસ સંઘવી વગેરે સહયોગી રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer