ભુજમાં સફાઇ વેરો ભરવામાં નાસ્તાના લારી-કેબિન ધારકોના અખાડા

ભુજ, તા. 11 : શહેરમાં મુખ્ય માર્ગો, મુખ્ય વિસ્તારોમાં આડેધડ ઊભતા બિચારા નાસ્તા કે અન્ય વસ્તુઓના ધંધાર્થીઓ સફાઇના નામે 600 રૂા. લેવા આવતી સુધરાઇની ટીમને લાચાર બનાવી ખદેડી મૂકી છે અને જ્યારે તંત્ર પગલાં ભરે ત્યારે રોજીરોટી છીનવાઇ ગયાની બૂમરાડ મચાવે છે પણ સફાઇ ચાર્જ નથી ભરવો. જો સુધરાઇ કડક વસૂલાત કરે તો દર માસે શહેર સફાઇ માટે ચૂકવાતા 48 લાખમાં મોટી રાહત મળી શકે.  ભુજમાં ઠેર-ઠેર નાસ્તાની, વિવિધ વસ્તુઓની લારીઓ, જ્યાં જગ્યા મળે ત્યાં પાથરણાં પાથરી બેસતા ધંધાર્થીઓ તથા કાચી-પાકી કેબિનો બનાવી જગ્યા પચાવતા દબાણકારોનો ત્રોટો નથી જડતો, પણ સુધરાઇ દર માસે સફાઇના વેરા પેટે માત્ર લાખેક રૂપિયા જ વસૂલી શકે છે.  અનેક ધંધાર્થીઓના આકા કાં તો રાજકીય માથાઓ અથવા તો માથાભારે તત્ત્વો હોવાથી નક્કી કરેલો 600 રૂા. સફાઇ ચાર્જ દબાણ શાખાની ટીમ જ્યારે લેવા જાય ત્યારે મોટાભાગના ધંધાર્થીઓ તેમને દોડાવી દે છે.  તાજેતરમાં જ એન.યુ. એલ.એમ. શાખા દ્વારા દીન- દયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન શહેરી શેરી કે ફેરિયા ઓળખકાર્ડ યોજના હેઠળ આહ્વાન અપાતા ઇચ્છુક ધંધાર્થીઓએ 1175 જેટલી નોંધણી કરાવી. માત્ર આ નોંધણી મુજબ ગણતરી કરીએ તો પણ 7,05,000 જેટલી સુધરાઇને દર માસે આવક થાય, પણ તેવું શક્ય બનતું નથી. આ તો માત્ર નોંધાયેલા ધંધાર્થીઓ છે, પરંતુ શહેરમાં ફૂટપાથો, જાહેર માર્ગો પર લોકોને અવરોધ સર્જી બેઠેલા આનાથી અનેક ગણા ધંધાર્થી મુખ્ય વિસ્તારોમાં કોઇપણ ભાડું કે અન્ય ચાર્જ ચૂકવ્યા વિના કમાણી કરી રહ્યા છે. ઉપરાંત આખા શહેરના ધંધાર્થીઓ પાસેથી વસૂલાત કરવા માત્ર ચાર જણની ટીમ બનાવાઇ છે. જો યોગ્ય આયોજન ઘડાય અને તમામ ધંધાર્થી પાસેથી કડક અને કાયદેસર રીતે ચાર્જ વસૂલાય તો સુધરાઇને સારી આવક થાય, પણ મન હોય તો માળવે જવાય.  

ભુજની જનરલ હોસ્પિટલ સામે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવાઇ  ભુજ, તા. 11 : અહીંની જી. કે. જનરલ હોસ્પિટલના ઇમર્જન્સી ગેટ સામે ઉભેલી 12થી 15 જેટલી લારીઓ-દુકાનો વિરુદ્ધ એન.સી. કેસ અને પાંચ વિરુદ્ધ ટ્રાફિકને અડચણરૂપ કલમોનો ગુનો નોંધી દૂર કરાઇ હતી. શહેર ટ્રાફિક પી.એસ.આઇ. જે. જી. રાણાએ કરેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલની સામે ટ્રાફિકને અડચણરૂપ ઉભેલી લારીઓ અને ત્યાં થતી ગંદકીના પગલે કાર્યવાહી થઇ હતી. જેમાં પાંચ વ્યક્તિ વિરુદ્ધ 283 મુજબ ટ્રાફિકને અડચણ માટે અને બાકીના ગંદકી અને કચરો ફેલાવવા 115-117 મુજબ એન.સી. કેસો કરાયાનું જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer