ગાંધીધામ સંકુલની વાજબી માગણીઓના ઝડપથી ઉકેલની ડીપીટીની હૈયાધારણ

ગાંધીધામ, તા. 11 : અહીંની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્રતિનિધિમંડળ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ભાટિયાને ગઇકાલે મળ્યું હતું અને સંકુલના જમીનને લગતા તથા અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી. અધ્યક્ષે વાજબી માગણીઓની ઝડપી ઉકેલની ખાતરી આપી હતી. ચેમ્બર પ્રમુખ બાબુભાઇ હુંબલના વડપણ તળેના આ પ્રતિનિધિમંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાંની વીડિયો કોન્ફરન્સમાં કેટલાક મુદ્દા-પ્રશ્નો ચર્ચાયા હતા. તે અંગે ચેરમેન શ્રી ભાટિયાએ કહ્યું હતું કે, ટ્રાન્સફર ફીનો મુદ્દો બિલકુલ વાજબી છે અને તેના ઉકેલ માટે શિપિંગ મંત્રાલય સાથે વાતચીત કરીને તેઓ પ્રયાસ કરશે. સંકુલની ફ્રી હોલ્ડ જમીન પ્રશ્ને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય સચિવ સાથે તેમની વિસ્તૃત ચર્ચા થઇ છે. ફ્રી હોલ્ડની સ્કીમ મુજબ જમીનો ગુજરાત સરકારના મહેસૂલ દફતરે લેવા ત્વરિત પગલાં લે એ સંદર્ભે રજૂઆત થઇ છે. દરમ્યાન ગાંધીધામ સંકુલમાં બાંધકામની મુદ્દત વધારવા આગામી સમયમાં તેઓ પ્રયાસ કરશે તેવું તેમણે કહ્યું હતું. ઓઇલ જેટી નં. 7 અને આર.ઓ.બી.ના પ્રોજેક્ટ પર્યાવરણીય મંજૂરીના અભાવે વિલંબમાં મુકાયા છે. તેની મંજૂરી અર્થે તેઓ પ્રયત્નશીલ હોવાનું અને તરતમાં મંજૂરી મળે તેવી આશા હોવાનું તેમણે કહ્યું હતું. મીઠાંની જમીનોની લીઝ રિન્યૂઅલ તથા નવેસરથી ફાળવણીની પ્રક્રિયા વિલંબિત હોવાથી ડીપીટીને જ આર્થિક નુકસાન થતું હોવાથી આ કામગીરીમાં ઝડપ લાવવાનો ચેમ્બરે અનુરોધ કરતાં ચેરમેને ઘટતું કરવા હૈયાધારણ આપી હતી. આ પ્રતિનિધિમંડળમાં માનદ્મંત્રી મુરલીધર જગાણી, પૂર્વ મંત્રી મહેશ તીર્થાણી જોડાયા હતા તેવું ચેમ્બરની એક યાદીમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer