નિરોણા બનશે સ્મૃતિનું આદર્શ ગામ

નિરોણા બનશે સ્મૃતિનું આદર્શ ગામ
નિરોણા (તા. નખત્રાણા), તા. 10 (પ્રતિનિધિ દ્વારા) : પાવરપટ્ટીના મુખ્ય મથક સમાન અને કલાની પંચતીર્થી તરીકે પ્રખ્યાત નિરોણા ગામને અગાઉ સાંસદે આદર્શ ગામ નિર્માણ કરવાનું બીડું ઝડપ્યા પછી હવે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ આ ગામને `મોડેલ વિલેજ' તરીકે બનાવવાની પસંદગી ઉતારી છે. આવતા પખવાડિયામાં આદર્શ ગામ યોજના હેઠળ આ ગામે રૂા. એક કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવા કેન્દ્રીય મંત્રી નિરોણાની મુલાકાત લેશે તેવું સાંસદ અને કલેક્ટરે આદર્શ ગામના નિર્માણ અંગે ગામલોકો સાથે યોજાયેલી એક ખાસ બેઠકમાં જણાવ્યું હતું. રોગાનકલા, ખરકીકલા, લાખકામ, ચર્મકલા અને વણાટ જેવી વૈવિધ્યસભર કલા સાચવી બેઠેલા આ ગામને અગાઉ સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ ગામને આદર્શ ગામ તરીકે દત્તક લીધા પછી ગામમાં માળખાકીય સુવિધાઓ અને રોજગારીની તકો ઊભી કરવા અંગે ગામલોકો સાથે યોજેલી બેઠકમાં સાંસદે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કાપડમંત્રીને હસ્તકલા પ્રત્યે ખૂબ જ લગાવ છે. ગામની વિશ્વવિખ્યાત પરંપરાગત વિવિધ કામગીરીથી વાકેફ થઇ કચ્છના આ ગામને મોડેલ વિલેજ તરીકે પસંદગી કરાઇ છે, જેને સાંસદે મોટી ઘટના ગણાવી ગામને સુવિધાસભર બનાવવા 1 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ગ્રાન્ટમાંથી ગામની જરૂરિયાત મુજબના કામોની પ્રથમ પસંદગી કરવામાં આવતાં પખવાડિયામાં કેન્દ્રીય મંત્રી ગામની મુલાકાત લઇ તેમના હસ્તે આદર્શ ગામના કામોનો શુભારંભ કરવામાં આવશે તેવું કહ્યું હતું. આ પ્રસંગે કચ્છના સમાહર્તા રેમ્યા મોહને ગામની ખાસ કરીને રોગાનકલાના ભારે વખાણ કરીને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિદેશોની મુલાકાતમાં પણ આ કલાના નમૂના સાથે લઇ અનેક દેશોના વડાઓને `રોગાન' ભેટરૂપે આપી છે જે ગૌરવની બાબત છે. ગામમાં દર વર્ષે દેશી-વિદેશી પ્રવાસીઓની સંખ્યા મોટી રહે છે ત્યારે ગામની વિવિધ કલાઓ, એની સાથે સંકળાયેલા કસબીઓ, ગામની પંચરંગી વસ્તીની લોકસંસ્કૃતિ તેમજ ગામ અને આસપાસના પર્યાવરણને લગતી તમામ માહિતી મળી શકે તેવું સેન્ટર ઊભું કરવાની ભલામણ કરી હતી. સાથે ગામમાં શિક્ષણ, આરોગ્ય, ગટર, પાણી સહિતની સુવિધા ઊભી કરવા માટે ગામનો સહયોગ અતિ જરૂરી હોવાનું જણાવી ગામને આદર્શ ગામ બનાવવાના આયોજન માટે ગામની તમામ જ્ઞાતિઓના બુદ્ધિજીવી વર્ગને સાંકળી એક સમિતિ ગઠન કરી આદર્શ ગામ હેઠળ વિવિધ કામોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ કાનજીભાઇ ભાનુશાલીએ ગામની હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળાઓમાં ખૂટતા ઓરડા બનાવવા, જયંતીભાઇ પટેલે ગામની ભુરૂડ નદીમાં જળસંચયના કામો, રોગાનના કારીગર ગફુરભાઇ ખત્રીએ રોગાનકળા સાથે સંકળાયેલા ગામોની અન્ય જ્ઞાતિઓની મહિલાઓને રોજગારી મળવા અંગે તેમજ રાજેશભાઇ ભાનુશાલીએ ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા અંગે રજૂઆતો કરી હતી. નખત્રાણા મામલતદાર તેમજ તાલુકા વિકાસ  અધિકારીની આગેવાની હેઠળ આદર્શ ગામ યોજના વિકાસ સમિતિની પણ રચના કરાઇ હતી જેમાં ગામના કસબીઓ, સરકારી કર્મચારીઓ, સરપંચ, ગામના વિવિધ સમાજોના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ગામના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડા, કલેકટર તેમજ અન્ય અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી, નખત્રાણા પ્રાંત અધિકારી, મામલતદાર, આયોજન અધિકારી ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, ગ્રામજનો અને આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સરપંચ કનૈયાલાલ ભાનુશાલી અને આભારવિધિ લક્ષ્મીબેન ભાનુશાલીએ કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer