ભારે વરસાદને પગલે ફરી કચ્છની ટ્રેનો મુંબઈ ન પહોંચી

ભારે વરસાદને પગલે ફરી કચ્છની ટ્રેનો મુંબઈ ન પહોંચી
ગાંધીધામ, તા. 10 : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદનાં કારણે રેલવે ટ્રેક પર જળભરાવની સર્જાયેલી સ્થિતિથી આ મહિનામાં બીજી વખત મુંબઈ-કચ્છના રેલવે વ્યવહારને ભારે અસર પડી છે. સોમવારે ભુજથી રવાના થયેલી બન્ને ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવાઈ હતી અને જવાની અટકાવાઈ ત્યાંથી જ પરત રવાના કરાઈ હતી. જ્યારે વરસાદનાં કારણે મુંબઈથી કચ્છ વચ્ચે દોડતી ત્રણ ટ્રેનોને અસર પહોંચી હતી. વરસાદની પરિસ્થિતિ સંદર્ભે પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજ-બાન્દ્રા (22955)ને ગોલવડ ખાતે અટકાવી દઈ, ગોલવડ બાન્દ્રા  વચ્ચે આંશિક રદ કરી દેવામાં આવી હતી. બાન્દ્રા-ભુજ (22955)ને ગોલવડથી સાંજે 7.45 વાગ્યે ભુજ આવવા રવાના કરવામાં આવી હતી. તો ભુજ-દાદર વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસને તો ગુજરાતમાં જ અટકાવી દેવાઈ હતી. નિર્ધારિત સમય કરતાં દેઢેક કલાક મોડી પહોંચેલી ભુજ-દાદર (19115)ને વલસાડ પાસે જ અટકાવી વલસાડ-દાદર વચ્ચે રદ કરી દેવાઈ હતી. તો દાદર-ભુજ (19105) સયાજીનગરીને સાંજે 5.55 વાગ્યે વલસાડથી જ ભુજ આવવા રવાના કરાઈ હતી. સપ્તાહમાં ત્રણ વાર દોડતી ભુજ-દાદર (12960)ને પણ વલસાડ અટકાવી દેવામાં આવી હતી. જ્યારે દાદર (12959)ને મધરાત્રે ભુજ આવવા રવાના કરાઈ હતી. આમ મુંબઈમાં ભારે વરસાદનાં કારણે કચ્છની ત્રણ ટ્રેનો મુંબઈ જ ન પહોંચતાં મુંબઈ જતા અને મુંબઈથી આવતા સેંકડો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે અંધેરી રેલવે સ્ટેશને ફૂટ ઓવર બ્રિજ તૂટી પડતાં સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસને દહાણુ અટકાવી ત્યાંથી જ રવાના કરાઈ હતી. નાલાસોપારા, વિરાર સેક્શનમાં ભારે જળભરાવની સ્થિતિનાં કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer