ચોવીસીનાં જળાશયોનું સુશોભીકરણ કરવા ભુજ મંદિરની પહેલ

ચોવીસીનાં જળાશયોનું સુશોભીકરણ કરવા ભુજ મંદિરની પહેલ
કેરા (તા. ભુજ), તા. 10 : લીલાછમ્મ ભારતની વડાપ્રધાનની ટહેલને તાલુકાના સૂરજપર ગામે સાર્થક કરી બતાવી છે. ન માત્ર?પોતાના ગામમાં પણ આજુબાજુના 15-20 કિ.મી. પટ્ટામાં સાતેક હજાર વૃક્ષ?ઉછેરી સૂરજપરે લીલો સૂરજ ઉગાડયો હોવાની ભાવના વ્યક્ત થઇ રહી છે. મંગળવારે જકરિયા તળાવ ખાણેત્રા પછી વૃક્ષારોપણ કરાયું તે પ્રસંગે ભુજ સ્વામિ. મંદિરના કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે વધુ ત્રણ ખાણેત્રા કરવા પ્રેરણા આપી હતી. સાંસદે ગ્રાન્ટ સહિતના સહયોગની ખાતરી આપી હતી. સૂરજપર સ્વામિનારાયણ મંદિર દ્વારા ભારાપર, બળદિયા માર્ગે આવેલા જકરિયા તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું. પ્રમુખ નારાણભાઇ કેરાઇનાં આયોજન હેઠળ અહીં સુશોભીકરણ માટે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વૃક્ષારોપણ કરતાં વડાપ્રધાન વન નામકરણ સાથે વધુ ત્રણ તળાવો ઊંડાં કરવા પ્રેરણા આપી હતી. પૂર્વાશ્રમે સૂરજપરના પનોતા પુત્ર એવા ભુજ મંદિરના કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે મીઠી ઝાડીનું મહત્ત્વ કહેતાં શારજહામાં નારાણભાઇએ સર્જેલા નારાયણ બાગનો ઉલ્લેખ કરી પાંચાડામાં થયેલા વૃક્ષઉછેરને પ્રેરક ગણાવ્યું હતું. શાત્રી નારાયણમુનિદાસજી સ્વામીએ સ્વયં સ્વામિનારાયણ ભગવાને જળસંચય, વૃક્ષારોપણના કાર્યો કર્યાનો શાત્રોકત ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ભારાપરના સરપંચ દેવાભાઇ મહેશ્વરીનું સંતોના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. તો તાલુકા સદસ્ય ઇસ્માઇલ કુંભાર, સેનેટોરિયમના ડોક્ટર ચિરાગ પટેલ, લેવા પટેલ સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, છ હજાર વૃક્ષ ઉછેરના ક્રાંતિકારી કાર્યને સાકાર કરનારા નારાણભાઇ કેરાઇનું સન્માન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હરિયાળા ભારતના સૂત્રને ચરિતાર્થ કરવાના સંકલ્પ સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કાર્યને શુભેચ્છા તથા ગ્રાન્ટ સહયોગની પણ ખાતરી આપી હતી. જે કાર્ય સરકાર કે સરકારના ચૂંટાયેલા પદાધિકારીઓએ કરવાનું હોય તે કાર્ય સૂરજપરના હરિભક્ત ભાઇઓ-બહેનોએ કરી દાખલો બેસાડયાનું અગ્રણીઓએ કહ્યું હતું. આ પ્રસંગે ભારાપરના કાસમ સંઘાર, ગનીભાઇ કુંભાર, લતીફ રાયમાએ સિમેન્ટના બાંકડા દાન આપ્યા હતા. ભુજ મંદિરના પુરાણી હરિબળદાસજી સમેત અન્ય યુવા સંતો હાજર રહ્યા હતા. સૂરજપરના રૂડાભાઇ ભુડિયા, વિશ્રામભાઇ હાલાઇ, ભીમજી પિંડોરિયા, સામજી હાલાઇ સહિત આગેવાનો- મહિલા કર્મયોગી બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer