પાલઘર-તિથલમાં વરસાદગ્રસ્ત કચ્છની ટ્રેનોના મુસાફરો માટે વ્યવસ્થા કરાઇ

પાલઘર-તિથલમાં વરસાદગ્રસ્ત કચ્છની  ટ્રેનોના મુસાફરો માટે વ્યવસ્થા કરાઇ
મુંબઈ, તા. 10 (અમારા પ્રતિનિધિ દ્વારા) : કચ્છથી મુંબઈ આવતી ચાર ટ્રેનો ભારે વરસાદના કારણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અટવાઈ છે. અટવાયેલા પ્રવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  કચ્છ એક્સ્પ્રેસ-વલસાડથી ઊપડશે  કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે, કચ્છ એક્સ્પ્રેસ ગોલવડથી અને સયાજીનગરી વલસાડથી ઊપડશે. અમારી વિનંતીથી આ ટ્રેનોમાં ફસાયેલા ઉતારુઓ માટે તિથલ સેનેટોરિયમમાં નિ:શુલ્ક રહેવા-જમવાની સગવડ કરાઈ છે. વાપીમાં જૈન સમાજે અચલગચ્છ ભવનમાં રહેવા-જમવાની સુવિધા કરી છે. બીજી બે ટ્રેનો એસી સુપરફાસ્ટ અને પાલનપુર ટ્રેન પણ અટવાઈ છે. અલબત્ત, એસી ટ્રેન દહાણુ સુધી પહોંચી છે.  મુંબઈ તરફ આવતી એરાવલી એક્સ્પ્રેસ અને સૌરાષ્ટ્ર મેલને પાલઘર સ્ટેશને ઊભી રખાઈ હતી. બધા પ્રવાસીઓ માટે ચા-નાસ્તાની સગવડ કચ્છ યુવક સંઘ, પાલઘર જૈન સંઘ, પાલઘર મેમણ સમાજ અને પાલઘર ગુજરાતી સમાજના યુવાનોએ કરી હતી. પાછળથી ભોજનની સગવડ પણ કરવામાં આવી હતી. કેલવે-સફાળે રેલવે સ્ટેશન પર સગવડ કરાઈ હતી, સફાળેના જૈન યુવક સંઘના યુવાનો આ સેવાકાર્યમાં સામેલ થયા હતા.  તિથલમાં રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા  વલસાડમાં કચ્છ એક્સ્પ્રેસ અટકી હતી. આથી આ પ્રવાસીઓ માટે તિથલના મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશન સંચાલિત એન્કરવાલા આરોગ્ય ધામમાં રહેવા-જમવાની વિનામૂલ્યે સેવા અપાઈ હતી. કચ્છી પ્રવાસીઓએ લાભ લીધો હતો, એમ એસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું. છેડાએ જણાવ્યું હતું કે કચ્છ એક્સ‰પ્રેસના લગભગ 100 જેટલા પ્રવાસીઓ અને સયાજીનગરી એક્સ્પ્રેસના 125 પ્રવાસીઓને તિથલ સેનેટોરિયમમાં રહેવા અને જમવાની વિનામૂલ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer