અંજારનું અદ્યતન બસ સ્ટેશન પૂર્ણતા ભણી

અંજારનું અદ્યતન બસ સ્ટેશન પૂર્ણતા ભણી
અંજાર, તા. 10 : ઐતિહાસિક અંજારમાં 1.81 કરોડના ખર્ચે આકાર પામનારા બસ સ્ટેશનની ઈમારતનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. જેથી નજીકના દિવસોમાં તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજી સ્ટેશનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવશે. અંજાર બસ સ્ટેશનની હાલની ઇમારત જૂની થઇ હોવાથી તેની જગ્યાએ નવું ભવન બનાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. એસ.ટી. વિભાગ દ્વારા અંદાજિત 1.81 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇમારત બનાવવામાં આવી છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણ થવા આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આધુનિક બસ સ્ટેશનમાં પૂછપરછ બારી, ડ્રાઇવર-કંડક્ટર માટે આરામ રૂમ, પેયજળની સુવિધા તથા દિવ્યાંગો માટે સ્ટેશનમાં પ્રવેશ વ્યવસ્થા, અલગ શૌચાલય સહિતની સવલતો ઊભી કરવામાં આવી છે. અંજાર ડેપો મેનેજર શ્રી ભગોરાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશનનું કામ પૂરું થવા આવ્યું છે. સ્ટેશનનો કબ્જો મળ્યા બાદ તેના ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવશે તેમજ નવી બિલ્ડિંગમાં આવેલી દુકાનો અને કેન્ટિન માટેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. બસના સમય અને સ્થળ જાણવા માટે ટી.વી. ક્રીન મૂકવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નવી ઇમારતના લોકાર્પણ બાદ જૂની ઇમારતને પાડી દેવાનું કામ શરૂ કરવામાં આવશે. સ્ટેશન 14 જેટલા સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ હોવાનું શ્રી ભગોરાએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અંજાર બસ સ્ટેશનમાં મહામૂલા વૃક્ષો કાઢી નાખવા અગાઉ નિર્ણય લેવાયો હતો પરંતુ પર્યાવરણ-પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઇ વૃક્ષ હટાવવામાં આવ્યા ન હતા. આ વૃક્ષો બસ સ્ટેશનની શોભામાં વધારો કરશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer