બ્રહ્મસમાજના અગ્રણી સી.ડી. પંડયાની સમાજસેવા બિરદાવી શ્રદ્ધાંજલિ અપાઇ

બ્રહ્મસમાજના અગ્રણી સી.ડી. પંડયાની  સમાજસેવા બિરદાવી શ્રદ્ધાંજલિ અપાઇ
ભુજ, તા. 10 : ઔદિચ્ય બ્રહ્મસમાજના અગ્રણી, ભુજ બાર એસો., ભુજ રોટરી કલબ, ઔદિચ્ય બ્રહ્મસમાજના માજી પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના ટ્રસ્ટી, જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર, ઔદિચ્ય બ્રહ્મસમાજના એડવાઇઝરી બોર્ડના સલાહકાર, ભુજ રોટરી સ્કૂલ (હરિપર)ના ચેરમેન, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી અને મુંદરા આર.ડી. હાઇસ્કૂલના સાયન્સ ટીચર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ચંદ્રકાન્ત દુર્ગાશંકર પંડયા (સી. ડી. પંડયા)નું લાંબી બીમારી બાદ અવસાન થતાં સમગ્ર સમાજે શોકની લાગણી  અનુભવી હતી. વર્ષો સુધી પ્રમુખપદે રહી સદ્ગતે સમાજની કરેલી સેવા યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વર્તમાન પ્રમુખ ભોગીલાલ વ્યાસે સ્વ. સી. ડી. પંડયાને સમાજ સંગઠનના પાયાના પથ્થર લેખાવી તેમણે દાયકાઓ સુધી કરેલી સેવાને સમાજ ક્યારેય નહીં ભૂલે તેમ જણાવ્યું હતું. તો ઉપપ્રમુખ અને મંત્રી વસંતભાઇ વ્યાસ અને રમેશભાઇ વ્યાસે ચંદ્રકાન્તભાઇએ સમાજવાડીના નિર્માણમાં ભજવેલી મુખ્ય ભૂમિકાને યાદ કરી હતી. ભૂકંપ સમયે પણ રાત-દિવસ જોયા વિના રાષ્ટ્રીય સ્તરેથી બ્રહ્મબંધુઓ માટે મદદ મેળવી તેની વિતરણ વ્યવસ્થા જેવી મહત્ત્વની જવાબદારી અદા કરી હતી. ડો. મધુકાંત આચાર્યએ પણ સદ્ગતની સેવા બિરદાવી હતી. છેલ્લી ઘડી સુધી સમાજના માર્ગદર્શક-સલાહકાર તરીકે રહેલા શ્રી પંડયાને સમાજ હંમેશાં યાદ કરશે તેવું ઔ. બ્ર. સ.ના અગ્રણીઓ પી.એલ. પંડયા, વિનોદભાઇ પંડયા (અમદાવાદ), જનાર્દન પંડયા, મહેશભાઇ રાવલ, યશવંત ભટ્ટ, દિલીપભાઇ ભટ્ટ, પ્રીતમભાઇ રાવલ, ચંપકભાઇ રાવલ, અશોક આચાર્ય, જગદીશ પંડયા, જનાર્દન ઉપાધ્યાય, મહેશ વ્યાસ, વેલજીભાઇ વ્યાસ, વિનોદ જોષી વિ.એ જણાવ્યું હતું. આજે બાર એસો.ની શોકસભા ભુજ બારના વરિષ્ઠ ધારાશાત્રી ચંદ્રકાન્ત પંડયાનું નિધન થતાં ભુજ બાર એસોસિયેશન દ્વારા તા. 11/7ના સવારે 11 વાગ્યે જિલ્લા ન્યાયાલયની સી-વિંગમાં બીજા માળે શોકસભા યોજાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer