મેઘરાજા કોપાયમાન મુંબઈ બેહાલ

મુંબઈ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજે સતત ચોથા દિવસે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને લીધે દેશની આર્થિક રાજધાની બેહાલ બની હતી. અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. પશ્ચિમ અને મધ્ય રેલવેની પરાંનો ટ્રેન વ્યવહાર ખોડંગાયેલો રહ્યો હતો. તો પશ્ચિમ રેલવેની લાંબા અંતરની લગભગ 24 ટ્રેનો રદ કરવામાં આવી હતી, 21 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી, છ ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી અને છ ટ્રેનો રિશિડયુલ કરાઈ હતી.  અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પાલિકાએ મુંબઈમાં વિવિધ સ્થળોએ પાણી ઉલેચવા માટે વધારાના 150 પંપ મૂકવામાં આવ્યા છે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. વિધાનસભામાં ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં 11 સ્થળે પાણી ભરાયાંના અહેવાલ મળ્યા છે. ત્રણ વિસ્તારોમાં ટ્રાફિક અન્યત્ર વાળવામાં આવ્યો છે. હવામાન ખાતાએ આગામી ત્રણથી ચાર દિવસ વરસાદનું  જોર યથાવત રહેવાની આગાહી કરી છે. તેથી જરૂર પડયે શિક્ષણ સંસ્થાઓમાં ત્રણથી ચાર દિવસ રજા જાહેર કરવામાં આવશે. મુંબ્રા, થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે નૌકાદળ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે એમ ફડણવીસે ઉમેર્યું હતું. મુંબઈમાં ભારે વરસાદથી તમામ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. મુંબઈની જગપ્રસિધ્ધ ડબ્બાસેવા પણ આજે બંધ રહી હતી.  સેંકડો ફલાઇટોને પણ અસર થઇ છે. મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવામાં આવી છે. લોકોને બચાવવા માટે તથા તેમને સુરક્ષિત બચાવવા માટે એનડીઆરએફની ટીમો સક્રિય થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ઉપનગરીય વિસ્તારોમાં આનાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. વસઇ અને વિરાર વચ્ચે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. બેસ્ટની બસો પણ ખોરવાઈ ગઈ છે. દહીસર, બોરીવલી, મલાડ, જોગેશ્વરી, અંધેરી, શાંતાક્રુઝ, માહિમ, કુર્લા, પરેલ, નાલાસોપારા, દાદર, કિંગ સર્કલ, વડાલા, ઘાટકોપર, પોવાઈ અને અન્ય જગ્યાઓ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. નાલાસોપારામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વસઇમાં એનડીઆરએફની ટીમ ગોઠવાઈ ગઈ છે. સૌથી વધારે કફોડી હાલત નાલાસોપારામાં થઇ છે. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. સોમવારના દિવસે શહેરમાં 2011 બાદથી લઇને હજુ સુધી કોઇ એક ચોમાસુ સિઝનમાં સૌથી વધારે વરસાદનો વિક્રમ નોંધાયો હતો.  ભીવંડી, કલ્યાણમાં માર્ગો ઉપર પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. બેસ્ટ બસોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે. કેટલીક બસોને બંધ પણ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે તમામ ટ્રેનો ધીમી ગતિએ દોડી રહી છે.  સોમવારે રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેમાં નાલાસોપારા સ્ટેશનનાં પાટામાં લગભગ દોઢથી બે ફૂટ પાણી ભરાઈ જતાં સવારથી જ વિરાર અને વસઈ વચ્ચે લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યા સુધી વસઈ રોડ અને ચર્ચગેટ વચ્ચે લોકલ ટ્રેનો દોડી રહી હતી. એ બાદ વસઈ સ્ટેશન પર ટેક્નિકલ ખામી સર્જાતાં અને પોઇન્ટ ફેલ થતાં વસઈથી પણ ટ્રેન વ્યવહાર બંધ કરાયો હતો અને દિવસભર ચર્ચગેટ-ભાઇંદર વચ્ચે ટ્રેન સેવાઓ ચાલુ રહી હતી. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ દિવસભર 150 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 50 ટ્રેનો મોડી પડી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer