યુનોના કાશ્મીર હેવાલમાં નાપાક ફિક્સિંગ !

નવી દિલ્હી, તા. 10 : જમ્મુ-કાશ્મીરમા માનવાધિકાર ભંગ અંગેના સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જારી વિવાદિત અહેવાલ અંગે નવો વિવાદ જાગે તેવો ફણગો ફૂટયો છે. આ અહેવાલમાં પાકિસ્તાનનું ફિક્સિંગ સામે આવી રહ્યું છે. કેનેડામાં વસેલા એક પાકિસ્તાની ઈસ્લામિસ્ટ ઝફર બંગાશનું કહેવું છે કે જે વ્યક્તિએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે તે સતત તેના સંપર્કમાં હતો. સ્પષ્ટ છે કે આ ખુલાસો કાશ્મીરમાં સેના વિરુદ્ધ જારી કરવામાં આવેલા આ રિપોર્ટમાં પાકિસ્તાની એજન્ડાને છતો કરે છે. સમાચાર એજન્સી અનુસાર ટોરેન્ટો નિવાસી બંગાશ એક ઈસ્લામિક પત્રકાર છે અને યોર્ક ક્ષેત્રની મસ્જિદમાં ઈમામ પણ છે. કાશ્મીર મુદ્દા પર એક પરિષદમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોના ઉચ્ચાયુક્ત જાયદ બિન રાડ અલ હુસૈન રિપોર્ટ તૈયાર કરવા સમયે સતત તેમના સંપર્કમાં હતા. બંગાશે કહ્યું કે હું તમને ખાતરી સાથે કહી શકું કે એ અહેવાલને તૈયાર કરવામાં કાશ્મીરના કેટલાક સાથીઓ પણ હતા. તેમણે કહ્યું કે મેં જાતે હાઈકમિશનરથી સતત ફોન અને ઈ-મેઈલથી વાત કરી હતી. બંગાશે જણાવ્યું હતું કે મારી પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં વાત થઈ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે યુએન માનવાધિકારના હાઈકમિશનર અને તેના સાથી પ્રતિનિધિ પાકિસ્તાન જશે અને આઝાદ કાશ્મીર (પીઓકે)માં તેમનું સન્માન કરવામાં આવશે. જે કાર્યક્રમમાં બંગાશ બોલી રહ્યા હતા તેમાં પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાન પણ ઉપસ્થિત હતા. સરદાર મસૂદ ખાને કહ્યું કે ભારત-પાકિસ્તાને યુદ્ધથી બચવું જોઈએ.  ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં માનવાધિકાર ભંગના મામલે તત્કાળ સમાધાનની જરૂરત પર જોર આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં રાજનીતિક સમાધાનના કોઈ પણ પ્રસ્તાવમાં એ વાત સામેલ કરવામાં આવવી જોઈએ કે ત્યાં હિંસાનું ચક્ર બંધ થવું જોઈએ. ભારતે તે સમયે પણ આકરા શબ્દોમાં આ રિપોર્ટનો વિરોધ કરીને તેને `ભ્રામક, પક્ષપાતપૂર્ણ અને પ્રેરિત' બતાવીને ફગાવી દીધો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer