બ્રિટિશ દેશોની દુઆ ઇંગ્લેન્ડ હારે !!

એડિનબર્ગ, તા. 10 : બ્રિટન ભલે ઓલિમ્પિકમાં એક જ ટીમ મોકલતું હોય, પણ ફૂટબોલ, રગ્બી, ક્રિકેટ જેવી રમતોમાં સ્કોટલેન્ડ, વેલ્સ, આયરલેન્ડની ટીમ જુદી હોય છે. આ દેશો અને ઇંગ્લેન્ડ વચ્ચે લાંબા સમયથી અનેક મામલે ઠંડુ યુધ્ધ ચાલી રહયું છે. ખેલપ્રેમીએ એવી દુઆ કરી રહયા છે કે ફીફા વર્લ્ડ કપ ભલે કોઇ પણ જીતે, પણ ઇંગ્લેન્ડ તો નહીં જ. આવતીકાલે ઇંગ્લેન્ડની ટીમ ક્રોએશિયા સામે વર્લ્ડ કપમાં જયારે સેમિ ફાઇનલમાં મેદાને પડશે ત્યારે ઉપરોકત ત્રણેય દેશના ચાહકોની પ્રાર્થના રહેશે કે ઇંગ્લેન્ડ હારે.   ઇંગ્લેન્ડ બ્રિટનમાં સૌથી વધુ દબદબાવાળો દેશ છે. તેની પાસે વધુ સંસાધન, પૈસો, પાવર અને સ્પોર્ટસ છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓને સફળતા પણ વધુ મળી છે. પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન સ્કોટલેન્ડના એન્ડી મરેએ પાછલા વર્લ્ડ કપ વખતે કહયું હતું કે ઇંગ્લેન્ડની ટીમને છોડીને તે બાકીની બધી ટીમનું સમર્થન કરે છે.  હાલ વિશ્વ કપના ઇંગ્લેન્ડના મેચ વખતે સ્કોટલેન્ડમાં હરીફ ટીમના ધ્વજ હાથમાં લઇને લોકો મેચ જોવે છે. સ્કોટલેન્ડના એક અખબારે લખ્યું છે કે અમે સેમિ ફાઇનલમાં ક્રોએશિયા સાથે છીએ. વેલ્સ ફૂટબોલ સંઘે પણ કહયું છે કે અમે ઇંગ્લેન્ડ સાથે નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer