છેલ્લા ચાર માસથી સામાન્ય સભા ન બોલાવી કાયદાના ઉલ્લંઘનનો આક્ષેપ

ભુજ, તા. 10 : છેલ્લા ચાર માસથી કચ્છ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભાને કાયદાના ઉલ્લંઘન સમાન ગણાવી આગામી 16મીએ માત્ર સમિતિઓની રચના કરવા માટે બોલાવાયેલી ખાસ સામાન્ય સભાથી નાણાં અને સમયનો વ્યય થવાનો આક્ષેપ વિપક્ષી નેતા વી. કે. હુંબલે કર્યો છે. કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આગામી તા. 16મીએ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં એજન્ડામાં માત્ર સમિતિઓની રચના કરવા માટેના મુદ્દા છે જે માટે તા. 5-7ના એજન્ડા બહાર પાડયો છે. અને તા. 16-7ના મિટિંગ રાખી છે જેનો સમયાગાળો 11 દિવસનો છે. ત્યારે વિપક્ષી નેતા વી. કે. હુંબલ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે કે પંચાયતના કાયદાની કલમ 144 મુજબ જિલ્લા પંચાયત દ્વારા દર 3 માસે સામાન્ય સભા ભરવી ફરજિયાત  છે તેવી જોગવાઇ હોવા છતાં કચ્છ જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 4 માસથી સામાન્ય સભા કેમ બોલાવવામાં આવી નથી.  કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નવા ચૂંટાયેલા લક્ષ્મણસિંહ સોઢા જ્યારે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે એમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે જિલ્લાભરના કોઇ પ્રશ્નો હોય, કોઇ સમસ્યાઓ હોય તેમજ જિલ્લા પંચાયતના સભ્યે પોતાના મતવિસ્તારના ઘણા બધા વિકાસના કામો તેમજ પ્રશ્નો બાબતે સામાન્ય સભામાં મૂકી તેનું નિરાકરણ લાવી શકાય એટલા માટે સામાન્ય સભા નિયમિત મળવી ખૂબ જ  જરૂરી છે. સામાન્ય સભામાં પણ સભ્યોને એના ભથ્થાં ચૂકવવા પડતા હોય છે તેમજ જિલ્લા પંચાયતને અન્ય ખર્ચ પણ કરવો પડતો હોય છે, ત્યારે ખાસ સામાન્ય સભા બોલાવવાની જરૂરિયાત તો માત્ર આકસ્મિક સંજોગોમાં કોઇ કામગીરી કરવી હોય તો જ પડતી હોય છે. પરંતુ માત્ર સમિતિઓની રચના કરવા માટે જ ખાસ સામાન્ય સભા બોલાવી અને નાણાં તેમજ સમયનો દુરુપયોગ કચ્છ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer