કચ્છ ગ્રામીણ બેન્કને સ્ટેટ બેન્કમાં વિલીન કરવા નિર્ણય

ગિરીશ જોશી દ્વારા  ભુજ, તા. 10 : 1978માં સ્થપાયેલી કચ્છ ગ્રામીણ બેન્ક સરહદી જિલ્લામાં સાચા અર્થમાં ગામડાંની બેન્ક તરીકે ઓળખાતી હતી, પરંતુ 2005માં દેના બેન્ક સાથે વિલીનીકરણ કરીને એક ઓળખ સમાપ્ત કરી દેવામાં આવી અને હવે બેન્કિંગ ક્ષેત્રે ચાલતી હરીફાઇમાં ગ્રામીણ બેન્કનો દેના બેન્ક સાથે છેડો ફાડી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડી દેવાનો નિર્ણય લેવાઇ ગયો હોવાથી ટૂંક સમયમાં ગ્રામીણ બેન્કની જાણે ઓળખ જ મટી જાય તેવા એંધાણ મળ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 1લી ઓગસ્ટથી દેના ગ્રામીણ ગુજરાત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ગ્રામીણ બેન્ક તરીકે ઓળખાય તેવી ગતિવિધિઓ ચાલી રહી છે. કારણ કે 30મી જૂને આ ગ્રામીણ બેન્કે દેના બેન્ક સાથેનો છેડો ફાડી નાખ્યો છે. 1978માં રાજ્યની પ્રથમ ગ્રામીણ બેન્કની સ્થાપના કચ્છમાં થઇ હતી. ચાર દાયકાની મજલ પૂરી કરી ચૂકેલી આ બેન્કિંગ સેવાનો વ્યાપ ધીમેધીમે કચ્છમાં વધતો ગયો અને આજે જિલ્લામાં 45 બ્રાન્ચ કાર્યરત છે. મોટાભાગે ગ્રામીણ લોકોને બેન્ક સેવાનો લાભ આપતી આ બેન્કની ભૂકંપ સમયની સેવાને આજે પણ ગામડાંના લોકો યાદ કરી રહ્યા છે. ધરતીકંપમાં મકાનો ધ્વંસ થઇ ગયા હોવા છતાં તંબુમાં બેસીને કર્મચારીઓએ લોકોના અભૂતપૂર્વ બેન્ક ખાતા ખોલ્યા હતા. જો કે નોટબંધીમાં આ જ બેન્કનો લોકોને કડવો અનુભવ પણ થયો હતો. અન્ય બેન્કોની તુલનાએ  ગામડાંમાં કાર્યરત બેન્કની શાખાઓને નવી નોટોનો  જથ્થો ઓછો ફાળવાતો હોવાથી ગ્રામીણ ગ્રાહકોને કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવાનો વખત આવતો હતો. જો કે તેમાં ઉચ્ચસ્તરીય વાંક હતો. ખેર, હવે જ્યારે મોટાભાગના આર્થિક વ્યવહાર ઓનલાઇન અને ડિજિટલ થતા હોવાથી અન્ય બેન્કોની તુલનાએ આધુનિકીકરણથી પાછળ રહેલી તેમ છતાં ગામડાંના લોકોને બેન્ક સાથે જોડી નાખનારી આ બેન્કને રાષ્ટ્રીયકૃત બેન્કનો દરજ્જો મળે તેવા હેતુથી દેશની સૌથી મોટી બેન્કિંગ વ્યવસ્થા એવી એસ.બી.આઇ. સાથે જોડવાનો નિર્ણય લેવાયો છે. કચ્છમાં અંદાજિત બે હજાર કરોડનું મૂડીરોકાણ ધરાવતી ગ્રામીણ બેન્કની 45 શાખાઓ સાથે પાંચ લાખ જેટલા ખાતેદારો જોડાયેલા છે, ત્યારે ચાર દાયકામાં બીજી વખત નવી ઓળખ મળવાની છે એવી માહિતી મળી અને સંભવત: ઓગસ્ટમાં નક્કર સ્વરૂપ લેશે. વર્તમાન આ બેન્કના માળખાંની વાત કરીએ તો જનરલ મેનેજર અને ચેરમેન ગાંધીનગર બેસે છે, તો રિજિયોનલ મેનેજરની કચ્છમાં પોસ્ટ છે. રિજિયોનલ મેનેજર કક્ષાના અધિકારી જે દેના બેન્કમાંથી આવે છે. હાલના રિજિયોનલ મેનેજર શ્રી દવેનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, હા, સ્ટેટ બેન્ક સાથે જોડાવવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને આ નાણાં વિભાગનો નિર્ણય છે. અત્યારે દેના બેન્ક સ્પોન્સર બેન્ક છે. ગત 30 જૂન સુધીમાં દેના બેન્કને એન.ઓ.સી. આપવાનું હતું તે આપી દેવાયું છે. ગુજરાતમાં ત્રણ વિભાગમાં ગ્રામીણ બેન્ક વેચાયેલી હતી તેને બદલે સમગ્ર ગુજરાતની તમામ ગ્રામીણ બેન્કની શાખાઓ સ્ટેટ બેન્કમાં જોડાઇને રાષ્ટ્રીયકૃત બની જશે. 1લી ઓગસ્ટથી નવું માળખું હશે ? આ સવાલ સામે તેમણે કહ્યું કે, હજુ તારીખ નક્કી થઇ નથી. જો કે બીજી તરફ કચ્છની અમુક શાખાઓમાં સ્ટેટ બેન્કના લોગો, હોર્ડિંગ્સ વગેરે આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બેન્કની નાણાકીય વ્યવસ્થા પણ?સ્ટેટ બેન્કના સોફ્ટવેર સાથે જોડાઇ જશે. રિજિયોનલ મેનેજર પણ સ્ટેટ બેન્કમાંથી આવશે. જો કે 170 સ્ટાફ?કર્મચારીઓ એ જ રહેશે તેવું જાણવા મળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer