ડીપીટીની બે જેટી પરત મેળવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરવા પ્રશાસન તૈયાર

ગાંધીધામ, તા. 10 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની આજે યોજાયેલી ટ્રસ્ટી મંડળ બેઠકમાં ખાનગી ભાગીદારીવાળી અને હાલ બિનઉપયોગી પડી રહેલી બંને જેટીઓનો પરત કબ્જો લઇને તેના ઉપયોગની દિશામાં પ્રક્રિયા હાથ ધરવા ઠરાવાયું હતું. આ ઉપરાંત કર્મચારીઓના પેન્શનને લગતા ત્રણ મુદ્દા બહાલ કરાતાં કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયાની અધ્યક્ષતામાં આજે સવારે મળેલી બોર્ડ બેઠકમાં જુદા જુદા 14 ઉપરાંત વધારાના ત્રણ એમ 17 એજન્ડા ઉપર ચર્ચા કરાઇ હતી. વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીપીટીના પર્યાવરણીય મંજૂરીમાં લટકી પડેલા વિવિધ પ્રોજેક્ટ સંદર્ભે મેળવવા સુધીની પ્રક્રિયા માટે સંસ્થા ગાઇડને કામગીરી સોંપવા નિર્ણય થયો હતો. કેટલાક વારસદારોને નવી પેન્શન યોજના તળે આવરી લેવા, જૂની પેન્શન યોજનામાં ઓછા લાભવાળા કર્મચારીઓને પૂર્ણ લાભ આપવા તથા પેન્શન યોજનામાં સમાવિષ્ટ નથી તેવા કર્મચારીઓને મળતા એક્સગ્રેસિયામાં  વધારો કરવા સહિતના ત્રણ મુદ્દા બહાલ રખાયા હતા. આ પગલાંથી સેંકડો કર્મચારીઓને લાભ મળશે. કામદારોના ગણવેશની સિલાઇની રકમ પણ દોઢી કરવા ઠરાવાયું હતું. કંડલાની 8મી ઓઇલ જેટીના ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. ઉપરાંત ચાર લિક્વિડ ટેન્ક ટર્મિનલ માટે ટેન્ડર બહાર પાડવા, મીઠાંના પ્લોટો માટે નવી માર્ગદર્શિકાને સમાવી પુન: ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.કંડલા ખાતે બન્કરિંગ જેટીનું કામ 31/7 પછી ચાલુ કરવા બોર્ડે સંમતિ આપી હતી. ખાનગી જેટી નં. 13 અને 15ના આર્બીટ્રેશનની છેલ્લી સ્થિતિ, બિનઉપયોગી રહેલી આ જેટીઓનો કબ્જો સંભાળવાની દિશામાં પણ હકારાત્મક નિર્ણય થયો હતો એવું સૂત્રોએ ઉમેર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer