ગાંધીધામમાં યુવાનના હાથમાં છરી મારી ત્રણ હજારની લૂંટ

ગાંધીધામ, તા. 10 : શહેરના રેલવે મથક સામે ઓવરબ્રિજ નીચે એક યુવાનના હાથની નસ છરી વડે કાપી તેની પાસેથી રોકડા રૂા. 3000ની લૂંટ કરનારા ઇસમની પોલીસે ધરપકડ કરી હતી. મુંદરામાં રહેનાર મૂળ બિહારનો શ્રમિક એવો રામયતન ઘઉવા નામનો યુવાન ગઇકાલે ગાંધીધામ આવ્યો હતો. પોતાના સંતાનની દવા લેવા આવેલો આ યુવાન રેલવે મથક સામેના ઓવરબ્રિજ  નીચે ચાની હોટલે ચા પીવા ગયો હતો. દનરમ્યાન ત્યાં સિદિક નામનો ઇસમે આવી તારા થેલામાં ગાંજો છે તેમ કહી તેના થેલાની તલાશી લીધી હતી. તેમાંથી આ ઇસમને કાંઇ ન મળતાં તેવો યુવાનના ખીસ્સા તપાસવાની કોશિશ કરતાં યુવાને તેનો વિરોધ કર્યો હતો. પરિણામે તેની સાથે આ ઇસમે ઝપાઝપી કરી તેના ખીસ્સામાંથી રોકડા રૂા. 3000 અને કાગળિયાની લૂંટ કરી હતી. આ યુવાનના જમણા હાથની નસ કાપી તેને ગંભીર ઇજાઓ પહોંચાડીને તે ત્યાં નાસી ગયો હતો. આ બનાવ પોલીસ ચોપડે ચડયા બાદ પોલીસે પકડી પાડયો હતો. આ ઇસમને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું તપાસમાં પી.એસ.આઇ. આર. ડી. મહેતાએ જણાવ્યું હતું. આ ઓવરબ્રિજ તથા તેની આસપાસના વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો દરરોજ અડીંગો જમાવીને બેઠા હોય છે. ત્યારે આવા તત્ત્વોને કડક હાથે ડામવા માંગ ઊઠી હતી, તો અહીં દબાણ કરાયેલી કેબિનોને પાલિકા દૂર કરાવે તેવી માંગ પણ પ્રબળ બની હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer