શિકારપુર નજીકથી 3.82 લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 10 : મુંબઇથી મોંઘા પ્રકારનો અંગ્રેજી દારૂ ખરીદી મોરબી આપવા જતાં રાપરના બે શખ્સોને શિકારપુર પાટિયાથી સહયોગ હોટેલ આગળના માર્ગ પરથી એલ.સી.બી.એ દબોચી લીધા હતા. આ શખ્સોની કારમાંથી રૂા. 3,82,900નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આધોઇના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને રૂા. 7000ના દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. રાપરના મહેન્દ્રસિંહ દાનુભા વાઘેલા અને નરેન્દ્રસિંહ વાઘેલા નામના શખ્સો આલ્ટો કાર નંબર જી.જે.12-ડી.એ. 9482માં દારૂ ભરી રાપરથી કટારિયાવાળા માર્ગ પર થઇને મોરબી બાજુ જતા હોવાની પૂર્વ બાતમી એલ.સી.બી.ને મળી હતી. દરમ્યાન પોલીસે શિકારપુર પાટિયાથી સહયોગ હોટેલ આગળ જતા રોડ પુલિયા ઉપર વોચ ગોઠવી હતી. તેવામાં આ બાતમીવાળી કાર આવતાં તેને રોકાવતાં કારચાલક વાહન આગળ હંકારી ગયો હતો. થોડે આગળ આ કારના પૈડામાં પંકચર પડતાં અને તે પુલિયામાં ભટકાતાં પાલીસે તાબડતોબ મહેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. કારમાંથી જોની વોકર, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચની  9 બોટલ, જોની વોકર બ્લેક લેબલની 11 બોટલ, ચિવાસ રીગલની 20 બોટલ, જેક ડેનીયલની 25 બોટલ, ગોલ્ડ મોરેન્જ હાઇગ્લેન્ડની 27 બોટલ એમ 92 બોટલ કિંમત રૂા. 3,82,900નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સો ટ્રેન મારફતે મુંબઇથી કોઇ મારાજ નામના શખ્સ પાસેથી આ દારૂ મંગાવી મોરબીના અમીન અબ્દુલ ચાનિયા નામના ઇસમને આપવા જઇ રહ્યા હતા દરમ્યાન તેમને પોલીસે દબોચી લીધા હતા. શરાબનો બીજો જથ્થો આધોઇ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પકડાયો હતો. અનિલ બાબુ લુહાર નામના શખ્સ પાસેથી સ્થાનિક પોલીસે 20 બોટલ કિંમત રૂા. 7000નો દારૂ હસ્તગત કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer