કચ્છ સહિત ગુજરાતમાં પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદની સ્થિતિનું અવલોકન કરતા હવામાન વિભાગના નિયામક જ્યંત સરકારે જણાવ્યું હતુ ંકે, છત્તાસગઢ અને અરબી સમુદ્દ ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાઇક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી ઓગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે. રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીએ જણાવ્યું હતું કે, વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ 15 ટીમને એલર્ટ કરાઇ છે જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે 1-1 જ્યારે ગાંધીનગર ખાતે 3 અને વડોદરામાં 6 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી કુલ 13 માનવમૃત્યુ નોંધાયા છે જેમાં 11ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી  વળવા સમગ્ર તંત્ર સજ્જ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer