હવે ઇ.ગ્રા.પં.માં પણ ઓનલાઇન ડ્રાઇવિંગ અરજી થશે

ભુજ, તા. 10 : એક તરફ વધુને વધુ લોકો માટે ડ્રાઈવિંગ લાયસન્સની માંગ વધતી જઈ રહી છે ત્યારે આરટીઓ કચેરીએ જઈને લાયસન્સ કઢાવવા માટે એજન્ટો સહિતના આટાપાટા તો સરકારે ઓનલાઈન એપોઈન્ટમેન્ટથી કાઢી જ નાખ્યા હતા પણ હવે ગામડે બેઠાબેઠા ગ્રામપંચાયતમાંથી પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી થઈ શકે અને દસ્તાવેજો અપલોડ થઈ શકે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતાં લોકો બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ખંખેરાતા બચી શકશે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના એક પરિપત્ર અનુસાર રાજ્યની કચ્છ સહિતની 14006 ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષંગિક સાધનસામગ્રી, જરૂરી સોફ્ટવેર તેમજ બ્રોડબેન્ડ ઈ-કનેક્ટિવિટી આપવામાં  આવી છે.ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી ગ્રામ કમ્પ્યુટર સાહસિક (વી.સી.ઈ.) દ્વારા વિવિધ સેવાઓની સાથે હવે ડ્રાઈવિંગ લાયસન્સની ઓનલાઈન અરજી પણ કરી દેવામાં આવશે એમ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ માટે ઈગ્રામ પોર્ટલથી https://parvahan.gov.in./sarathiservice12/stateselection.do લોગઓન કરી અરજદારનો ફોટો, સરનામાના પુરાવા, વયના દાખલા જેવા દસ્તાવેજી પુરાવા સ્કેન કરીને ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક અપલોડ કરી શકશે.આ માટેની એક અરજીની ફી રૂા.20 રાખવામાં આવી છે એમ નાયબ સચિવ મનીષ મોદીએ આ પરિપત્રમાં જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer