6.16 લાખ બાળકને આવરી લેવાના લક્ષ્યાંક સાથે કચ્છમાં ઓરી-રૂબેલા 16મીથી રસીકરણ ઝુંબેશ

ભુજ, તા. 10 : કચ્છમાં આગામી 16મી જુલાઇથી 9 માસથી 15 વર્ષના 6.16 લાખ?બાળકને ઓરી-રૂબેલાની રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાશે. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જિલ્લા સમાહર્તા રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આગામી 16મી જુલાઇથી 3જા ફેઝમાં પાંચ અઠવાડિયા સુધી ચાલનારી ઝુંબેશમાં 9 માસથી 15 વર્ષના કચ્છના 6.16 લાખ બાળકને ઓરી-રૂબેલાના રસીકરણમાં આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.આ રસીકરણથી ભવિષ્યમાં સગર્ભા બહેનોને થતી તકલીફો દૂર થશે તેમ કચ્છમાં જન્મજાત ખોડખાંપણવાળા જન્મતા બાળકોની સંખ્યામાં ઘટાડો થશે. કચ્છમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બેઠકો યોજી જાગૃતિ લાવવા પ્રયાસો કરાયા છે. આ ઉપરાંત રસીકરણ હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર કક્ષાએ તથા ઔદ્યોગિક વસાહતો, બી.એસ.એફ. લશ્કરી વિસ્તારો, કોસ્ટગાર્ડ, મીઠાના અગરિયા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્ય,  શિક્ષણ, આઇ.સી.ડી.એસ. આશાવર્કર અને આંગણવાડીની બહેનો, શહેરી વિકાસ, રેલવે તેમજ વિવિધ?સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન સાધી લક્ષ્યાંક સિદ્ધ કરાશે. જિલ્લા કલેક્ટરે ઓરી-રૂબેલાની રસી વિશે સોશિયલ મીડિયાના દુષ્પ્રચારથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ પણ કરી હતી તેમજ આ કામગીરીમાં દરેક સમાજના આગેવાનો, ધર્મગુરુઓ પણ લોકોને સમજાવી બાળકોને રસીકરણ કરાવવા વાલીઓને જાગૃત કરે તેવે અનુરોધ કર્યો હતો. પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડેએ ઝીણવટભરી કરાયેલી સમીક્ષાની વિગતો આપી હતી. તેમણે આ ઝુંબેશની 100 ટકા કામગીરી પાર પાડવામાં કોઇ?ઢીલ નહીં ચલાવી લેવામાં આવે તેવું જણાવ્યું હતું. આ બેઠકમાં આઇ.ઇ.સી. અધિકારી પ્રવીણાબેન શ્રીમાળી અને અશોક પરમાર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer