ભુજમાં રાત વચ્ચે ત્રણ એક્ટિવાની ચોરી કરનારા બે યુવાન ઝડપાયા

ભુજ, તા. 10 : શહેરમાં ત્રણ દિવસ પહેલાં એક જ રાત્રિ દરમ્યાન સંસ્કાર નગર વિસ્તારમાં એકસાથે ત્રણ એક્ટિવા સ્કૂટરની તસ્કરી કરનારા બે સ્થાનિક યુવાનને પોલીસની ગુનાશોધક શાખાએ પકડી પાડયા હતા.  ગત તા. 7મીની રાત્રિ દરમ્યાન ત્રણ એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી થઇ હતી. જે તે સમયે આ બાબતે ફરિયાદ નોંધાઇ ન હતી. દરમ્યાન આ ગુનાનું શોધન થઇ જતાં આજે એ. ડિવિઝન પોલીસ મથકમાં વાહનોની ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સ્થાનિક ગુનાશોધક શાખાએ આ કાર્યવાહીમાં શહેરમાં ગણેશનગરમાં ચબૂતરાવાળી શેરીમાં રહેતા રોહન નાનજી બળિયા અને તેના સાગરીત તાલુકાના મિરજાપર ગામે આંબેડકર નગરમાં રહેતા હરેશ કાનજી મારવાડાને પકડી પાડયા હતા. તેમની પાસેથી ત્રણેય ચોરાઉ એક્ટિવા સ્કૂટર કબ્જે કરાયા હતા. આરોપીઓને આગળની તપાસ માટે એ. ડિવિઝન પોલીસના હવાલે કરાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer