ધ્રબમાં ટ્રેકટર પરથી પડી જતાં યુવાનનું મોત : માથાના દુ:ખાવા થકી કોટડીની પ્રૌઢાનો આપઘાત

ભુજ, તા. 10 : મુંદરા તાલુકામાં ધ્રબ ગામના વાડી વિસ્તારમાં ટ્રેકટરમાંથી અકસ્માતે જમીન ઉપર પડી જવાથી આ જ વિસ્તારમાં રહેતા જુશબ ખલીફા (ઉ.વ.20)ને મોત આંબી ગયું હતું. બીજી બાજુ માંડવી તાલુકામાં કોટડી મહાદેવપુરી ગામે પોતાની માથાના દુ:ખાવાની બીમારી થકી વાલબાઇ થાવર મહેશ્વરી (ઉ.વ.64)એ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. જ્યારે પૂર્વ કચ્છમાં ગાંધીધામ શહેરમાં 85 વર્ષની વયના વયોવૃદ્ધ મહિલા કાનબાઇ પુના મહેશ્વરીએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોત વહાલું કરી લીધું હતું.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ધ્રબ ગામના વાડી વિસ્તારમાં ગઇકાલે ઢળતી બપોરે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જી.જે.12-ડી.સી.આર.-7652 નંબરના ટ્રેકટરમાં સવાર જુશબ ખલીફા અકસ્માતે ચાલુ ટ્રેકટરે જમીન ઉપર પડી ગયો હતો. ટ્રેકટર સાથે જોડાયેલી દાંતી વગેરેથી તેને ઇજા થઇ હતી. જે તેના માટે યમદૂત બની હતી. અકસ્માત બાબતે અશરફ અબ્દુલ્લકાદર તુર્કે ટ્રેકટરના ચાલક અબ્દુલ્લહુશેન અબ્દુલ્લહનિફ તુર્ક સામે ફરિયાદ લખાવી હતી.  દરમ્યાન અબડાસા, નખત્રાણા અને માંડવી તાલુકાના ત્રિભેટાના વિસ્તારમાં આવેલા કોટડી મહાદેવપુરી ગામે વાલબાઇ મહેશ્વરી નામના પ્રૌઢ મહિલાના આપઘાતનો કિસ્સો પોલીસ દફતરે ચડયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ હતભાગી મહિલાએ તેના માથાના દુ:ખાવા થકી ઘરની છતમાં લાગેલા પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. ગઇકાલે મોડીસાંજે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બનાવ વિશે થાવર વાછિયા મહેશ્વરીએ પોલીસમાં જાણ કરી હતી.  જ્યારે આત્મહત્યાની અન્ય એક ઘટના ગાંધીધામ શહેરમાં કાનબાઇ મહેશ્વરી નામના મહિલાની બની હતી. ગણેશનગર વિસ્તારમાં રહેતા આ વયોવૃદ્ધા આજે વહેલી સવારે તેમના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતા મળી આવ્યા હતા. પોલીસે ઉમેર્યું હતું કે મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer