મીઠીરોહરની ખાનગી કંપનીમાં ઘૂસી 72 હજારના સાધન ચોર્યાં

ગાંધીધામ, તા. 10 : તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલી એક કંપનીની દીવાલ તોડી તેમાંથી કોઈ શખ્સો રૂા. 72,000ના સાધનોની ચોરી કરીને નાસી ગયા હતા. મીઠીરોહર ગામની સીમમાં આવેલી પટેલ વુડ નામની કંપનીમાં ગઈકાલે બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યાના અરસામાં ધોળા દિવસે ચોરીનો આ બનાવ બન્યો હતો. કોઈ શખ્સોએ ચાર ચક્રિય વાહન અહીં લઈ આવી આ વાહનથી કંપનીની દીવાલ પાડી દઈ અંદર ઘૂસી ગયા હતા. અને બાદમાં કંપનીમાં લાગેલી લોખંડની મશીનરી જેમાં જૂના બેન્સાના 6 પૈડા, લોકપુલર સેટ, એક ટેબલ ટોપ આખું, એક તૂટેલું ટેબલ ટોપ, ચાર સ્ટેન્ડ એમ કુલ રૂા. 72,000ની મત્તાની ચોરી કરી આ શખ્સો નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે કંપનીના એચ.આર. મેનેજર બીનીતકુમાર બનારસીલાલ દવેએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ મીઠીરોહર સીમમાં આવેલી કંપનીઓમાં ચોરી, લૂંટના અનેક બનાવો બન્યા છે જે પૈકી અમુક પોલીસ ચોપડે ચડયા છે તો અમુક બારોબાર પતાવી દેવાયા છે. જે બનાવો ચોપડે ચડયા છે તે પૈકી હજુ કેટલાક બનાવો પરથી પડદો ઉંચકાયો નથી તેવામાં વધુ એક ચોરીનો બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer