લેહમાં ગાંધીધામના પરિવારને અકસ્માત : દંપતીનું મોત

ગાંધીધામ, તા. 10 :  પર્વતીય પ્રદેશ લેહ લદ્દાખ ફરવા ગયેલા ગાંધીધામના પરિવારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં હસતા રમતા પરિવારનો માળો પીંખાયો હતો. આ અકસ્માતમાં દંપતી નાનક કેશવાણી, જ્યોતિ કેશવાણીનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના સંતાનોને હળવાથી ગંભીર પ્રકારની ઇજા પહોંચી છે. જે પૈકી એકની હાલત નાજુક છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામમાં  ખન્ના માર્કેટમાં વ્યવસાય કરતા નાનક કેશવાણી પરિવાર સાથે ગાંધીધામથી કાર મારફત લેહ લદ્દાખ ગયા હતા. સોમવારે મોડી સાંજના અરસામાં તેમની કાર અન્ય કોઇ વાહન સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને પતિ-પત્નીના તત્કાળ મોત નીપજ્યાં હતાં. જ્યારે પુત્રને ગંભીર ઇજા પહોંચતાં બેભાન હાલતમાં છે. બંને પુત્રીઓને અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી છે. આ દુર્ઘટનાના સમાચારના પગલે ગાંધીધામના સિન્ધી સમાજ સહિત ગાંધીધામ સંકુલમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બેભાન હાલતમાં રહેલા પુત્રને સારવાર માટે વિમાનમાર્ગે અમદાવાદ અથવા મુંબઇ ખાતે લઇ જવા તજવીજ હાથ ધરાઇ છે. દંપતીના મૃતદેહને ગાંધીધામ લાવવા માટેની કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે સવારે મૃતદેહ ગાંધીધામ લઇ અવાશે. પરિવારનો હસતો રમતો માળો વીખેરાતા અને ભાઇ-બહેનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી પ્રસરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer