ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાના અભાવે 19 દીકરીનો અભ્યાસ અટક્યો

દયાપર (તા. લખપત), તા. 10 : લખપત તાલુકાનાં સાયણ ગામમાં માધ્યમિક શાળા કાર્યરત છે અને હાલમાં જ એસએસસી સુધી પહોંચ્યા પછી પાસ થયેલી વિદ્યાર્થિનીઓ આગળના શિક્ષણ માટે વ્યવસ્થા ન હોતાં 11મું ધોરણ ભણી શકતી નથી. ગામના અગ્રણીઓ દેવશી નથુ રબારી અને થાવરભાઇ હીરા રબારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે, અછતગ્રસ્ત લખપત તાલુકો અને તેમાં દુર્ગમ ગામડાં એટલે સાયણ નવી ખાતે સરકારના પ્રયાસો દ્વારા શિક્ષણની સુવિધારૂપ માધ્યમિક શાળા બની અને રબારી સમાજની દીકરીઓ અભ્યાસ કરતી થઇ. કન્યા કેળવણી પર ભાર મૂકનાર આ સમાજ દીકરીઓને અભ્યાસ કરાવવા ચાહે છે પણ 38 કિ.મી. દૈનિક અપડાઉન આ દીકરીઓ ક્યા વાહનમાં કરે તે પ્રશ્ન છે. 19 દીકરીઓએ 10મું પાસ કર્યું. પ્રથમ ધો. 11ના અભ્યાસ માટે મોડર્ન સ્કૂલનો સંપર્ક કર્યો પરંતુ ત્યાં પણ વિકલ્પ યોગ્ય ન લાગ્યો. હવે દીકરીઓને આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા છે, વાલીઓ પણ તેવી જ ઈચ્છા ધરાવે છે પરંતુ સમસ્યા એ છે કે અભ્યાસ કરવા યુવાન દીકરીઓને દયાપર કેમ મોકલવી, કોઈ એસટી બસની સુવિધા પણ નથી. આ બંને અગ્રણીઓ કહે છે કે, અમે પત્ર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને વિવિધ રાજકીય નેતાઓ, શિક્ષણમંત્રી, સાંસદનું પણ પત્ર દ્વારા ધ્યાન દોર્યું છે.  માધ્યમિક શાળાનું મકાન વિશાળ છે, તેમાં જો ઉચ્ચતર માધ્યમિક શાળાની પણ વ્યવસ્થા કરાય તો આ દીકરીઓ અભ્યાસ કરી શકે અથવા જ્યાં સુધી આ વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી વિકલ્પરૂપે સવારના 10 અને સાંજે 4 કલાકે એસ.ટી. બસની સુવિધા અપાય તો વર્ષ ન બગડે. સાયણથી દયાપર 19 કિ.મી. છે. આવવા-જવા 38 કિ.મી.ના અંતર માટે કોઇ વાહનવ્યવસ્થા થાય તો અભ્યાસ ચાલુ રહી શકે અથવા ખાસ કિસ્સામાં માધ્યમિક શાળામાં જ ઉચ્ચતર અભ્યાસની મંજૂરી અપાય તેવી માંગ કરાઇ છે. રાજ્ય સરકાર કન્યા કેળવણી માટે જાગૃત છે, ત્યારે 19 દીકરીઓના ભવિષ્ય માટે વિચારશે તેવી આશા આ અગ્રણીઓએ વ્યકત કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer