કચ્છમાં ચોમાસાની ઋતુમાં ઇન્ફલુએન્ઝા રોગ સામે અટકાયતી પગલાંની સૂચના

ભુજ, તા. 10 : ચોમાસાની ઋતુમાં ઇન્ફલુએન્ઝા રોગચાળામાં અટકાયતી કામગીરી અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ હોસ્પિટલને જાણ કરાઇ હતી. ચોમાસાની ઋતુમાં ભેજવાળું તેમજ ઠંડું વાતાવરણ બદલાવાના કારણે સિઝનલ ઇન્ફલુએન્ઝા રોગ પ્રભાવી બનતો હોય છે. જેથી કચ્છમાં જે તે સિઝનલ ઇન્ફલુએન્ઝાના કેસો નોંધાયા છે. ત્યારે રોગ અટકાયતી પગલાંઓ લેવા અદાણી હોસ્પિટલ-ભુજ , રામબાગ હોસ્પિટલ-ગાંધીધામ, સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ-માંડવી, તેમજ તમામ પ્રા. આ. કેન્દ્રે, અર્બન ડિસ્પેન્શરી, મોબાઇલ, સીએચસીયુ, અગરિયા વાહન સહિતના મેડિકલ ઓફિસરોને સૂચના અપાઇ હતી. જેમાં દરેક સરકારી હોસ્પિટલ કક્ષાએ કેપ. ઓસેલ્ટામીવિરનો પૂરતો જથ્થો રાખવો, કેટેગરી બીના તમામ દર્દીઓને ઉંમર પ્રમાણે આ દવા આપવી, લોકોને ભયભીત થવાનું કોઇ કારણ નથી પરંતુ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. ખાંસી કે છીંક ખાતી વખતે આડો રૂમાલ રાખવો, ફલુના લક્ષણો જેવા કે તાવ, ગળામાં દુ:ખાવો, શરદી-ખાંસી, તૂટ-કળતર, શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લઇ આરોગ્યતંત્રને યોગ્ય સહકાર આપવા અનુરોધ કરવો. આ રોગ નિયંત્રણ માટે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ દર્દીઓનું એ, બી અને સી કેટેગરી મુજબનું વર્ગીકરણ કરી તે અનુસાર નિયંત્રણનાં પગલાં, સારવાર અને સિઝનલ ફલુ દર્દીના નજીકના કુટુંબીજનો પૈકી હાઇ રિસ્ક કોન્ટેકટ વ્યકિતઓને નિયત કીમોપ્રોફાઇલેકસીસ માટે સૂચનાઓ આપવી. તેમજ આપના વિસ્તારમાં નોંધાતા સિઝનલ ઇન્ફલુએન્ઝાના પોઝિટિવ કેસના સંપર્કમાં વ્યકિતને ત્વરિત સારવાર પૂરી પાડવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી  હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer