સાનધ્રોવાંઢથી બેખડા ફાટક સુધીના માર્ગને ડામરથી મઢવા રજૂઆત

હરોડા (તા. લખપત) તા. 10 : લખપત તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે સાનધ્રોવાંઢ ગામે મીંઢિયારી સંપથી નવી 4 ઈંચની પાણીની પાઈપલાઈન નાખવા તેમજ પાણીનો 1 લાખ લિટરનો સંપ બનાવવા ઉપરાંત સાનધ્રોવાંઢથી બેખડા ફાટક સુધી કાચા માર્ગને ડામરથી મઢવાની માંગ કરી છે. લખપત તા. પં.ના પ્રમુખ મંધરા નૂરબાઈ હાસમભાઈએ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર લખી જણાવ્યું છે કે, સુભાષપર ગ્રામ પંચાયત હેઠળના સાનધ્રોવાંઢ ગામે હાલે 3 ઈંચની લાઈન ઉપલબ્ધ છે, પણ સાનધ્રોવાંઢ ગામ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી ત્યાં પશુઓ અને માનવ વસ્તીને પાણીની વધુ જરૂરિયાત હોવાથી 3 ઈંચની લાઈન પ્રમાણમાં નાની હોવાથી મીંઢિયારી સંપથી સાનધ્રોવાંઢ ગામ સુધી 4 ઈંચની લાઈન નાખી આપવા તેમજ સાનધ્રોવાંઢ  ગામે પાણીનો 1 લાખ લિટરનો સંપ બનાવી આપવા માંગ કરી છે. આ ઉપરાંત પ્રમુખ મંધરા નૂરબાઈએ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સાનધ્રોવાંઢથી બેખડા ફાટક સુધી હાલની સ્થિતિએ કાચો મેટલ રોડ છે, જે કાચો રસ્તો વરસાદની મોસમમાં અત્યંત ખરાબ થઈ જાય છે અને તેના પર વાહનવ્યવહાર કરવો મુશ્કેલ બને છે અને જો વાહન ચલાવામાં આવે તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આથી કાચા રસ્તાને ડામર રોડ બનાવી આપવા પત્રમાં માંગ કરાઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer