ગાંધીધામ પાલિકાના કોન્ટ્રાક્ટરો પાસે ઉઘરાણાં મુદ્દે શાસક ભાજપમાં થઈ યાદવાસ્થળી

ગાંધીધામ, તા. 10 : અહીંની પાલિકામાં છેલ્લા લાંબા સમયથી ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાના આક્ષેપ વચ્ચે નગરસેવકો અથવા તેમના સંબંધીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી માંગીને કામ કરવા દેતા હોવાની અગાઉ અનેક ફરિયાદો ઉઠી છે. તેવામાં એક મહિલા કાઉન્સેલરના પતિ વિરુદ્ધ શાસકપક્ષના નેતા ચંદન જૈને રાજ્ય કક્ષાના સંગઠન મંત્રીને ફરિયાદ કરી હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ પત્ર સાથે પોતાને કોઈ લેવા દેવા ન હોવાનું નગરસેવક ચંદન જૈને જણાવ્યું હતું. અહીંના પાલિકા હસ્તક ચાલતાં વિકાસના કામોમાં એટલી હદે ભ્રષ્ટાચાર થયો છે કે અમુક નગરસેવકોએ ખાણી-પીણીની હોટલો આ પ્રસાદી થકી બનાવી લીધી હોવાની ચર્ચા લોકોમાં છે. તો 10 થી 20 ટકા કોન્ટ્રાક્ટરો પાસેથી મેળવી અનેક નગરસેવકો બે પાંદડે થયા હોવાના પણ હેવાલ છે.  અમુક જગ્યાએ ખુદ નગરસેવકો તો અમુક જગ્યાએ તેમના સંબંધીઓ દોડી જઈને વિકાસના કામો અટકાવી પહેલાં પોતાને પ્રસાદી ધરો બાદમાં કામ આગળ વધશે તેવી ખુલ્લી અને લુખ્ખી ધમકી કોન્ટ્રાક્ટરોને આપતા હોવાનો પણ ગણગણાટ કોન્ટ્રાક્ટરોમાં અને પાલિકા કર્મીઓમાં છે.  દરમ્યાન શાસક પક્ષના નેતા અને નગર સેવક એવા ચંદન જૈને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયાને લેખિત ફરિયાદ કરી હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  આ પત્રમાં જણાવ્યા મુજબ વોર્ડ-7ના માજી પ્રમુખ નારીભાઈ પરિયાણીના પુત્ર કમલેશ પરિયાણીની જોહુકમી દિવસોદિવસ વધતી જાય છે. કારોબારી ચેરમેનના દાવેદાર તરીકે પરમાનંદ ક્રિપલાણીનું નામ ચર્ચામાં હોઈ બધા કોન્ટ્રાક્ટરોને ફોન ઉપર ટકાવારી ઉઘરાવવા માટે નક્કી કરેલું હોઈ જો નહીં આપો તો તમને હેરાન કરીશું તેવી ધાકધમકી આપી વોર્ડના કાઉન્સેલરોને પણ પરેશાન કરે છે. પાલિકા તંત્ર અને પાર્ટીને બદનામ કરે તેવા કાર્યકરોને સબક શિખવાડવા જોઈએ તેવી વિનંતી સાથે ચેરમેન પદ માટે યોગ્ય નામ વિચારવા આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે.  આ અંગે નગર સેવક ચંદન જૈનનો સંપર્ક કરતાં તેમણે ઉપર જાણ કરી હોવાની કબૂલાત આપી હતી. બાદમાં સામેથી પુન: અખબારનો સંપર્ક કરી આ પત્ર મેં નથી લખ્યો મને કોઈએ બદનામ કરવા આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. આ પત્ર સાથે મારે કોઈ લેવા દેવા ન હોવાનું પણ કહ્યું હતું. જો કોઈએ તેમને બદનામ કરવા તેમના લેટર પેડનો ગેરકાયદે ઉપયોગ કરાયો હોય તો તેમણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ તેવું પૂછતાં હવે આ મુદ્દે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવામાં આવશે તેવું આ શાસક પક્ષના નેતાએ ઉમેર્યું હતું.  કેડર બેઝ અને શિસ્તમાં માનનાર આ પક્ષના નગરસેવકનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer