ડીપીટી પ્રશાસનિક કચેરી રાત્રે દોઢ વાગ્યા સુધી ધમધમી !

ગાંધીધામ, તા. 10 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયા ઘણા લાંબા સમય પછી અહીં આવતાં પડતર કામો પૂર્ણ કરવા ડીપીટીની પ્રશાસનિક કચેરી મોડી રાત સુધી ધમધમતી રહી હતી. ટ્રસ્ટી મંડળની આજે યોજાયેલી બેઠકમાં હાજરી આપવા ગઈકાલે બપોરે વિમાન માર્ગે આવેલા ઈન્ચાર્જ ચેરમેને પ્રથમ તો મહાબંદરની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી પ્રશાસનિક ભવનમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. અટકી પડેલાં કામો પૂર્ણ કરવા, ફાઈલો ઉપર સહી કરવા સહિતની કામગીરી માટે ખુદ ઈન્ચાર્જ ચેરમેન મોડી રાત્રે 1.15 વાગ્યા સુધી કચેરીમાં રહ્યા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું. કચેરીના જ કર્મચારી, અધિકારીઓના પ્રશ્નો સંદર્ભે રજૂઆત પણ સાંભળી હતી. આજે બોર્ડ બેઠક ઉપરાંત વિમાન માર્ગે પરત જવા પહેલાં સુધી તેઓ મુલાકાતીઓને મળતા રહ્યા હતા. અલબત્ત, રોજિંદા સિવાય કોઈ મોટા કે મહત્ત્વના નિર્ણયો લેવાયા ન હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer