દેશ-વિદેશના હરિભક્તો ભારે વ્યથિત

ભુજ, તા. 20 : સંસાર ત્યાગી એક યુવા સાધુના આચરણ અને યુવતીઓ સાથેના સાયબર સંબંધોને લઈ ભુજ સ્વામિનારાયણ મંદિરે ભગવા પરત લઈ લેવાની દાખલો બેસાડતી કાર્યવાહીની સરાહના વચ્ચે સંતમાંથી દૂર કરાયેલા રસિક કેરાઈએ આક્ષેપોનો મોરચો ખોલી નાખતાં ડહોળાયેલા દૂરવાણી વાતાવરણથી માતૃસંસ્થા માટે સમર્પિત દેશ-વિદેશના હરિભક્તોમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેની રીતિ મુઠ્ઠીઊંચેરી છે તેવા સદ્ગુરુ સંતોની શ્રૃંખલા અણમોલ વિરાસતની જેમ જેના વારસામાં છે તેવા ભુજ સ્થિત નરનારાયણદેવ મંદિરના બે-ચાર સ્થિતિભ્રષ્ટ સંતોને લઈને જાગેલા વમળો સાયબર વિકૃતિ સાથે ચર્ચામાં રહેતાં લાખો હરિભક્તો દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે. દરમ્યાન સંતમાંથી દૂર કરાયેલા રસિક કેરાઈની કથિત ટિપ્પણીઓને લઈને નારાજ જૂથે ટકોર કરતાં તેમણે ભુજ મંદિરના પરિસરમાં આત્મહત્યા કરીશ તેવી ધમકી આપ્યાની વાતો ચર્ચાઈ હતી. તેને લઈને મંદિરે બુધવારે સવારે પોલીસ બંદોબસ્ત પણ માગ્યો હતો અને સમગ્ર મામલાથી જિલ્લા પોલીસવડાને વાકેફ કર્યા હતા. આ મુદ્દે પશ્ચિમ કચ્છ પોલીસના અધીક્ષક મહેન્દ્રભાઈ ભરાડાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજ મંદિરના સંતો-મહંતો તેમજ વહીવટકર્તાઓ તેમને મળ્યા હતા અને રસિક કેરાઈના પિતાએ પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપી હોવાની આ બાબતે કાંઈ અજુગતું ન થાય તે માટે તકેદારી રાખવાની ભલામણ કરવા માટે આવ્યા હતા. દરમ્યાન માંડ શાંત પડતા માહોલ વચ્ચે ત્રીજી એક ઓડિયો ક્લિપ બહાર પડતાં ચર્ચા વધી હતી. દરમ્યાન યુવા સત્સંગીઓમાં સંતોને મંદિરે આધુનિક ટેકનોલોજીવાળા ફોન વાપરવા દેવા કે નહીં તે બાબતે ચર્ચાનો દોર ચાલ્યો હતો, જ્યારે સાધુ-સંત સમુદાયે અપપ્રચારને મહત્ત્વ ન આપવા લાગણી વ્યક્ત કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer