લખપત તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી : એક સભ્યના બળવાથી ભાજપને સત્તા

લખપત તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી : એક સભ્યના બળવાથી ભાજપને સત્તા
દયાપર (તા. લખપત), તા. 20 : છેવાડાના લખપત તાલુકામાં કોંગ્રેસને નવ બેઠક આપી જનતાએ વિજયી બનાવી હતી સામે ભાજપને સાત બેઠકો મળી હતી. છેક છેલ્લે સુધી કોંગ્રેસે પોતાના સભ્યોને જાળવી રાખ્યા હતા પરંતુ વર્માનગરના સભ્યે કોંગ્રેસની ગાડીમાં આવી ભાજપને મત આપી બળવો કર્યો હતો. પરિણામે બંનેને 8-8 મત થતાં ચૂંટણી અધિકારીએ ગુજરાત પંચાયત ધારો 1993ના 63/7 કલમ હેઠળ ચિઠ્ઠી નાખી હતી અને આ ચિઠ્ઠી પણ ભાજપ તરફે જતાં પ્રમુખ-ઉપપ્રમુખનું પદ કોંગ્રેસ પાસેથી છીનવી લીધું હતું. ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોતાં ભલે બહુમત ન હતો પરંતુ બિનહરીફ તો ન જ અપાય તેવા ધ્યેય સાથે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું હતું પરંતુ બગાસું ખાધું ને પતાસું આવ્યું તેવો તાલ સર્જાયો હતો. કોંગ્રેસના વર્માનગર બેઠક પરથી ચૂંટાયેલા વીણાબેન અંસારી ભાજપ તરફ?થતાં `ટાઇ' થઇ?હતી. બળવાખોર સભ્ય વીણાબેન અંસારીએ કહ્યું હતું કે, અઢી વર્ષ પોતાનો પણ?પ્રમુખ?તરીકે હક્ક બનતો હોઇ કોંગ્રેસે અન્યને પ્રમુખ તરીકે જાહેર કરતાં તેમણે બળવો કર્યો હોવાનું કહ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના હવાબાઇ આરબ જત સામે ભાજપના મિંઢિયારી બેઠકના નૂરબાઇ?હાસમ મંધરાને વિજેતા જાહેર કરાયા હતા જ્યારે ઉપપ્રમુખપદે કોંગ્રેસના સમરતદાન ગઢવી સામે ભાજપના વિક્રમસિંહ સતુભા સોઢાને વિજેતા જાહેર કરાયા હતા. ભાજપના વિજેતા હોદ્દેદારોનું ઢોલ-ત્રાંસાથી સ્વાગત કરાયું હતું. તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી મોડજી તુંવર, જુગરાજસિંઘ સરદાર, દલપત ઓઝા, ચંદ્રદાન ગઢવી, શંકરદાન ગઢવી, ઓસમાણ સુમરા, સુરેન્દ્રસિંહ જાડેજા, હાસમછા સૈયદ, રમેશ?જોષી, જયેશદાન ગઢવી વિગેરેએ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ વાજતે-ગાજતે માતાનામઢ દર્શનાર્થે નીકળી ગયા હતા. બળવાખોર સભ્યને પોલીસ રક્ષણ અપાયું હતું. બીજીબાજુ કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો. શાસક પક્ષના પ્રમુખ પી. સી. ગઢવી, હુસેન રાયમા વિગેરે ભાજપની કિન્નાખોરી અને સરકારી મશીનરીનો દુરુપયોગ હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્રી ગઢવીએ કહ્યું હતું કે, બળવાખોર સભ્યના પતિ જી.એસ.ઇ.સી.એલ.માં પી.એ.ની નોકરી કરે છે તેથી તેમને  બદલી અને અન્ય લાલચ આપી ફેરવી નાખવામાં આવ્યા છે. કોંગ્રેસે અધિકારીઓના વલણ પણ ભાજપ તરફી હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે, ભાજપના દોરીસંચાર હેઠળ જબરદસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો પરંતુ કોંગ્રેસ છોડશે નહીં અને બળવાખોર સભ્ય સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરાશે અને સ્થાનિકે ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં જવાની તૈયારી કોંગ્રેસે બતાવી હતી અને ન્યાય મળે ત્યાં સુધી વિરોધ પક્ષમાં બેસી પ્રજાના પ્રશ્નો માટે લડતા રહેશું તેવું કહ્યું હતું. જશવંતભાઇ પટેલ, હાસમ નોતિયાર, આધમ નોતિયાર વિગેરે કોંગ્રેસ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer